કેજરીવાલ સરકારના જમીન કેસના રિપોર્ટ પર વિચાર કરવાનો LGનો ઈનકાર
- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઓફિસે બુધવારે LGને કેબિનેટ મંત્રી આતિશીનો 670 પેજનો રિપોર્ટ મોકલ્યો હતો.
- કેજરીવાલ સરકારે લેફ્ટનન્ટ ગવર્નરને દિલ્હીના મુખ્ય સચિવ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
- હવે LG એ રિપોર્ટ પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે.
નવી દિલ્હી: દિલ્હીના LG વીકે સક્સેના તરફથી કેજરીવાલ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. LGએ દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીના રિપોર્ટને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો છે, જેમાં બામનોલી જમીન સંપાદન કેસમાં મુખ્ય સચિવ નરેશ કુમારની પ્રાથમિક દૃષ્ટિએ કથિત સંડોવણી હતી.
LGએ રિપોર્ટને ધ્યાનમાં લેવાનો ઇનકાર કરતા કહ્યું કે, તે સંપૂર્ણપણે મંત્રીના પક્ષપાત પર આધારિત હોવાનું જણાય છે. ફાઈલમાં કરાયેલી ટિપ્પણીઓમાં LGએ કહ્યું છે કે, મને કેબિનેટ મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલી ફરિયાદો અંગેનો પ્રાથમિક અહેવાલ મળ્યો છે અને મુખ્યમંત્રીએ તેને સમર્થન આપ્યું છે.
LGએ કહ્યું કે, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મારા સચિવાલયને ગુપ્ત એન્વલપમાં મોકલવામાં આવેલી માહિતી પહેલાથી જ સાર્વજનિક થઈ ગઈ હતી. તેની નકલો ખુલ્લેઆમ ઉપલબ્ધ છે અને તેની વિગતો મીડિયામાં વ્યાપકપણે નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે રિપોર્ટ જોયા પછી, વ્યક્તિ વિચારવા માટે મજબૂર થઈ શકે છે કે શું તે સાર્વજનિક પૂર્વગ્રહ પેદા કરવા સમાન નથી, જેનો હેતુ અદાલતોને પ્રભાવિત કરવાનો છે.
અહેવાલ પક્ષપાતી છે
LGએ કહ્યું કે, સીબીઆઈ પહેલાથી જ આ મામલાની તપાસ કરી રહી છે. હું માનું છું કે મારી સમક્ષ કરાયેલી ભલામણ પક્ષપાતી છે અને તે ધ્યાનમાં લેવા લાયક નથી. તેથી આને ધ્યાનમાં લેવા માટે સંમત થઈ શકાતુ નથી. મુખ્યમંત્રી કાર્યાલયે કેબિનેટ મંત્રીનો 670 પાનાનો રિપોર્ટ LGને સોંપ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટમાં દિલ્હીના મુખ્ય સચિવને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી.
મુખ્ય સચિવે આ આરોપોને ફગાવી દીધા છે
દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારે તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, જો આ કેસમાં કોઈ પુરાવા છે તો તમે તેને ED અને સીબીઆઈને આપો તો બધુ ઠીક થઈ જશે. તેમણે કહ્યું કે, આરોપો પૂર્વગ્રહયુક્ત છે.
આ પણ વાંચો, ગુરુનાનક જયંતિ ક્યારે ઉજવાય છે? શું છે તેનું મહત્ત્વ?