દિલ્હી મહિલા પંચમાં 223 ગેરકાયદે નિમણૂક LGએ તત્કાળ અસરથી રદ્દ કરી દીધી
- AAPની નિમણૂકો સામે દિલ્હી LG વિનય સક્સેનાએ ચલાવ્યો ડંડો
- પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નિયમોની વિરુદ્ધ જઈને પરવાનગી વિના કરી હતી નિમણૂક
નવી દિલ્હી, 2 મે: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનર સક્સેનાએ મહિલા પંચના કર્મચારીઓ સામે આજે ગુરુવારે મોટી કાર્યવાહી કરી છે. મોટી કાર્યવાહી કરતા દિલ્હીના LGએ AAP દ્વારા કરવામાં આવેલી ગેરકાયદે નિમણૂકો સામે મહિલા પંચમાંથી 223 કર્મચારીઓને કાઢી મૂક્યા છે. LGના આદેશ પર, મહિલા પંચે તેના 223 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હટાવી દીધા છે. હકીકતમાં, આ તમામ કર્મચારીઓ તે કર્મચારીઓ છે જેમની નિમણૂક દિલ્હી મહિલા પંચના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ દ્વારા કરવામાં આવી હતી. આરોપ છે કે, દિલ્હી મહિલા પંચના તત્કાલીન(પૂર્વ) અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નિયમોની વિરુદ્ધ જઈને પરવાનગી વિના તેમની નિમણૂક કરી હતી.
આદેશમાં શું કહેવામાં આવ્યું છે?
વાસ્તવમાં, આદેશમાં દિલ્હી મહિલા પંચ અધિનિયમને ટાંકવામાં આવ્યો છે, જે કહે છે કે, પંચમાં માત્ર 40 પોસ્ટ જ મંજૂર છે અને દિલ્હી કમિશન ફોર વુમન (DCW) પાસે કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવાનો અધિકાર નથી. દિલ્હી મહિલા પંચ વિભાગના અધિક નિર્દેશક દ્વારા જારી કરાયેલા આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નવી નિમણૂકો પહેલા, આવશ્યક પદોનું કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું અને ન તો વધારાના નાણાકીય બોજ માટે પરવાનગી લેવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે, આ કાર્યવાહી ફેબ્રુઆરી 2017માં તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નરને સુપરત કરાયેલા તપાસ રિપોર્ટના આધારે કરવામાં આવી છે.
આ પણ જુઓ: UNનું સભ્યપદ આપવાની પેલેસ્ટાઈનની માંગને ભારત આપ્યું સમર્થન, અમેરિકાએ કર્યો હતો વિરોધ