ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા આપવા કરી માંગ, રાજ્યપાલને લખ્યો પત્ર
ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા આપવાને લઈને ફરી મામલો મેદાને ચડ્યો છે. ગુજરાતી ભાષાને માન્યતા આપવા માટે માંગ કરી રહ્યા છે ત્યારે હવે હાઈકોર્ટના વરિષ્ઠ વકીલે તેની વ્યક્તિગત ક્ષમતાએ રાજ્યપાલને અંગત ધોરણે પત્ર લખીને માગ કરી છે કે, હાઈકોર્ટની પ્રક્રિયા ચલાવવા માટે અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનો પણ સત્તાવાર રીતે સમાવેશ કરવામાં આવે.
ભારતીય બંધારણના આર્ટિકલ 348 હેઠળ ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. પરંતુ વરિષ્ટ વકીલના આ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે બંધારણના આર્ટિકલ 348(2) હેઠળ બંધારણની જોગવાઈ મુજબ રાજ્યપાલને સત્તા છે કે રાજ્યમાં સરકારી કામકાજના હેતુ માટે સત્તાવાર રીતે તેઓ હિન્દી કે અન્ય કોઈપણ પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે. અને તેમાં હાઈકોર્ટની કામગીરીનો પણ સમાવેશ થાય છે. તો હવે હાઈકોર્ટમાં પણ ગુજરાતની ભાષાનો સમાવેશ કરવામાં આવે. આ પત્ર લખનાર વરિષ્ટ વકીલ ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ બાર એસોસિએશનના પ્રમુખ પણ છે.
પત્રમાં એ રજૂઆત કરવામાં આવી છે કે વકીલો અંગ્રેજી ભાષાની જાણકારીના અભાવે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી શકતા નથી. જેથી, સમાનતાના ધોરણે તેમને તક મળવી જોઈએ. હાઈકોર્ટમાં બિનગુજરાતી જસ્ટિસ અથવા તો ચીફ જસ્ટિસની નિમણૂંક કે ટ્રાંસફરના લીધે તેમને તમામ દસ્તાવેજ અંગ્રેજીમાં ભાષાંતર કરીને આપવા પડે છે અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો હવે હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને માન્યતા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.