લ્યો બોલો: અમદાવાદમાં ધો.10માં ભણતી બે સગીરાએ ઘરમાં ચોરી કરીને પ્રેમી સાથે ગોવા…..


અમદાવાદ, ૨૦ ફેબ્રુઆરી,, અમદાવાદમાં ધોરણ 10માં ભણતી 2 સગીરાઓ ઘરમાંથી દાગીના-રોકડ ચોરી તેમના પ્રેમી સાથે ગોવા ફરવા જતી રહી હોવાની ઘટના બની છે. સગીરાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ચારેયને શોધી કાઢયા હતા. તેઓ પહેલા મુંબઈ ગયા હતા, જ્યાં સગીરાએ દાગીના વેચી ખર્ચા માટે 70 હજાર મેળવ્યા હતા. તેઓ લોકેશન ટ્રેસથી બચવા વાઇફાઇનો ઉપયોગ કરતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.
ગુજરાતમાં સમાજને વિચારતા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના એસ.જી. હાઇવે નજીકના એક વિસ્તારમાં રહેતી બે સગીરા ધો.10 સીબીએસઇમાં અભ્યાસ કરે છે. સગીરાને સગીર સાથે જ્યારે અન્ય સગીરાને યુવક સાથે મિત્રતા કેળવાઈ હતી. આ ચારેય લોકો એકબીજાને વારંવાર મળતા હતા. જ્યારે મળતા ત્યારે ઘરેથી દૂર ફરવાના પ્લાનિંગ પણ કરતા. એક દિવસ સગીરાએ મોજશોખ પૂરા કરવા માટે પોતાના જ ઘરે સોનાના દાગીના ચોરી લીધા હતા. બાદમાં સગીરા તેનો સગીર પ્રેમી, સગીર બહેનપણી અને તેનો પ્રેમી મળીને ચારેય લોકો અમદાવાદ બહાર નીકળી ગયા હતા. આ લોકો ફરતા ફરતા મુંબઈ પહોંચ્યા અને ત્યાં સગીરાએ દાગીના વેચીને 70 હજાર જેટલા રૂપિયા મેળવી લીધા હતા. જે બાદ આ લોકો ગોવા ફરવા ગયા હતા.
જોકે, આ અંગેની પરિવારે ફરિયાદ કરતાં સરખેજ પોલીસે ચારેય લોકોને ટેકનિકલ સર્વેલન્સથી શોધી કાઢ્યા હતા. જે બાદ સગીરાઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેમને ધો.10ની પરીક્ષા પણ અપાવવામાં મદદ કરી છે.
આ પણ વાંચો..સુરતની સરસ્વતી વિદ્યાલયમાં ACમાં ભડાકો થતાં લાગી આગ: 800 જેટલાં વિદ્યાર્થીઓ, વાલીઓનો જીવ તાળવે