ગીરના જંગલની મધ્યમાંથી વધુ એક રેલવે લાઈન પસાર થવાના અહેવાલ આમ તો સામાન્ય લાગતા હશે પણ અહીં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. એશિયાઈ સિંહોની વસતી ધરાવતાં એકમાત્ર ગીર અભ્યારણમાં ટ્રેન હેઠળ સાવજોનાં કપાઈ જવાનાં કિસ્સા વખતોવખત પ્રકાશમાં આવતા જ રહે છે અને અભ્યારણ્યમાંથી પસાર થતી રેલવે લાઈન સામે પણ વિરોધ થાય છે. તેવા સમયે રેલવે વિભાગે વન વિભાગની પૂર્વ મંજુરી વિના જ જુનાગઢથી વિસાવદર રેલવે ટ્રેક માટેનાં ટેન્ડર જાહેર કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં જબરો વિવાદ સર્જાવાનાં એંધાણ છે.
શા માટે આ લાઈન જોખમી છે ?
ભારતીય રેલવેની સબસીડીયરી કંપની રેલ વિકાસ નિગમ દ્વારા જુનાગઢથી વિસાવદર મીટરગેજ રેલલાઈનના ટેન્ડર જારી કરાયા છે. આ રેલલાઈન જુનાગઢ, તોરણીયા, બીલખા, વિસાવદર, સુધીની છે. અભ્યારણ્યની 100 મીટરની નજીકથી જ તે પસાર થાય છે. સાવજોની નોંધપાત્ર વસતી ધરાવતા ક્ષેત્રમાંથી તે જોખમી બને શકે તેમ છે. વનવિભાગનાં અધિકારીઓએ એવો દાવો કર્યો કે રેલવે વિભાગે ટેન્ડર જારી કરવા વિશે જાણ કરી નથી કે મંજુરી મેળવી નથી. આ રેલવે પ્રોજેકટ સિંહો માટે મોટુ જોખમ ઉભુ કરી શકે છે.
મંજૂરી મળી જ જશે તેવા આશાવાદથી ટેન્ડર બહાર પાડી દેવાયા
રાજુલા-પીપાવાવ બ્રોડગેજ રેલવે લાઈન પર આઠ સાવજોનાં મોત માત્ર બે માસનાં ગાળામાં જ થયા છે. જોકે લોકો પાયલોટ દ્વારા 83 સાવજોનાં જીવ બચાવાયા પણ છે. ભાવનગર રેલવે ડીવીઝનનાં સુત્રોએ કહ્યું કે પ્રોજેકટને હજુ મંજુરી મળી નથી જોકે તે માટેની પ્રક્રિયા ચાલુ છે. સરકારનો જ પ્રોજેકટ હોવાની જરૂરી પરવાનગી મળી જવાના આશાવાદથી ટેન્ડર જારી કરવામાં આવ્યા છે. વન વિભાગનાં સીનીયર અધિકારીએ કહ્યું કે આ દરખાસ્ત 2020 માં સ્ટેટ બોર્ડ વાઈલ્ડ લાઈફને સોંપાઈ હતી તેને મંજુરી અપાઈ ન હતી. જોકે મીટીંગની મીનીટસમાં તે મંજુર દર્શાવવામાં આવી છે. રેલવેનાં 41 કરોડના ટેન્ડરમાં રેલલાઈનની બન્ને બાજુ ફેન્સીંગની કોઈ વાત નથી.