હૈદરાબાદ નહીં, ભાગ્યનગર કહીએ! જાણો આ દિશામાં શું છે RSSનું અભિયાન?
- RSSની સાંસ્કૃતિક શાખા પ્રજ્ઞા પ્રવાહ દ્વારા આયોજિત ચાર દિવસીય લોકમંથન કાર્યક્રમ આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે
હૈદરાબાદ, 20 નવેમ્બર: હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવાની માંગને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP)નું વલણ વધુ સ્પષ્ટ થઈ ગયું છે. RSSએ આ પરિવર્તનને ભારતની સાંસ્કૃતિક ઓળખની પુનઃસ્થાપનાનો ભાગ ગણાવ્યો છે. સંઘની સાંસ્કૃતિક શાખા પ્રજ્ઞા પ્રવાહ દ્વારા આયોજિત ચાર દિવસીય લોકમંથન કાર્યક્રમ આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી પહેલા જ ભાગ્યનગર નામની હિમાયત કરી ચૂક્યા છે. હવે RSSના આ પગલાથી નામ બદલવાની ચર્ચા વધુ તેજ બની છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ કાર્યક્રમનું કરશે ઉદ્ઘાટન
પ્રજ્ઞા પ્રવાહના રાષ્ટ્રીય સંયોજક જે.નંદકુમારે કહ્યું છે કે, “અમારા માટે શહેર હંમેશાથી ભાગ્યનગર મહાનગર હતું અને રહેશે. આ નામ શહેરના પ્રખ્યાત ભાગ્યલક્ષ્મી મંદિર પરથી આવ્યું છે. તે ભારતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખનું પ્રતીક છે.” લોકમંથનના તમામ આમંત્રણ પત્રો અને પોસ્ટરોમાં હૈદરાબાદને ભાગ્યનગર તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ ઈવેન્ટનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ કરશે અને RSS ચીફ મોહન ભાગવત પણ તેમાં હાજરી આપશે.
ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, લોકમંથન એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દેશભરના કલાકારો, બૌદ્ધિકો અને શિક્ષણવિદો ભારતના સાંસ્કૃતિક પડકારો પર વિચાર-વિમર્શ કરવા માટે એકસાથે આવે છે. આ વર્ષની ઈવેન્ટની થીમ લોકાવલોકન છે, જે ભારતીય પરંપરાઓ અને નૈતિકતાની ઊંડાણપૂર્વક તપાસ કરે છે. આ કાર્યક્રમમાં જાહેર વિચાર, જાહેર વ્યવહાર અને જાહેર વ્યવસ્થા જેવા ત્રણ પરિમાણોની ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં લિથુઆનિયા, આર્મેનિયા, ઈન્ડોનેશિયા અને રશિયા જેવા દેશોના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.
તેલંગાણાના CM રેવંત રેડ્ડીને પણ આમંત્રણ
RSS અનુસાર, લોકમંથનનો હેતુ ભારતીય સમાજને વિભાજીત કરવાનો પ્રયાસ કરતી સંસ્થાનવાદી વિચારધારાઓનું ખંડન કરવાનો છે. સંઘનું કહેવું છે કે, આ કાર્યક્રમ ભારતની સાંસ્કૃતિક એકતા અને પરંપરાઓને પુનર્જીવિત કરવાનો પ્રયાસ છે. કાર્યક્રમ સમિતિના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ આને ભારતના સામાન્ય સાંસ્કૃતિક વારસાને સમજવાની તક ગણાવી હતી. જો કે, તેલંગાણાના મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ તેમના વ્યસ્ત શેડ્યૂલને કારણે આ કાર્યક્રમમાં હાજરી આપવા અસમર્થતા વ્યક્ત કરી છે.
RSSએ લોકમંથન દ્વારા હિંદુત્વને ધાર્મિક સીમાઓની બહાર વ્યાખ્યાયિત કર્યું અને તેને સાંસ્કૃતિક અને સમાવેશી પરંપરા તરીકે રજૂ કર્યું. RSSના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું કે, “હિંદુત્વ ક્યારેય કોઈ ચોક્કસ પ્રકારની પૂજાનું સમર્થન કરતું નથી. તે એક પ્રાચીન પરંપરા છે જે બધાને જોડે છે.”
આ પણ જૂઓ: દુનિયાભરમાં મોદીના નામનો ડંકો વાગ્યો, હવે આ બે રાષ્ટ્ર આપશે પોતાનું ‘સર્વોચ્ય સન્માન’