આજે મધર્સ ડેઃ આવો માતાના મહત્વને વર્ણવતી ગુજરાતી ભાષાની કવિતાઓ વાંચીએ
આજે મધર્સ ડે એટલે કે માતાનો દિવસ. દરેક વ્યક્તિના જીવનમાં માતાનું એક અનેરું સ્થાન હોય છે. ‘માતા’ એ ઇશ્વરે બનાવેલી સૌથી સુંદર વ્યક્તિ છે તેવું કહી શકાય. દરેક બાળક માટે તેની માતાનું મહત્ત્વ અલગ જ હોય છે. તમારી સાથે સૌથી જૂનો સંબંધ તમારી માતાનો હોય છે. માતા તમને વિશ્વના દરેક માણસો કરતાં નવ મહિના વધારે ઓળખે છે. આપણે ગમે તેવું લખીએ પણ માતાની મહત્તાને ક્યારેય શબ્દમાં વર્ણવી નથી શકવાના, પણ ગુજરાતી ભાષાના કવિઓએ ‘મા’ વિશે ઘણું લખાયું છે. તો આવો વાંચીએ…
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
જગનો આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળના બાંધેલ એના પ્રાણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતા ખૂટે ન એની લહાણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ
માડીનો મેઘ બારે માસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
-દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર
————————–
દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.
સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.
આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.
ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.
જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.
ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા
————————–
હતો હું સૂતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુખી દેખી દુખી કોણ થાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
લઈ છાતી સાથે બચી કોણ લેતું
તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મીઠા મુખે ગીત ગાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
પડું કે ખડું તો ખમા આણી વાણી
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
પછી કોણ પોતા તણું દૂધ પાતું
મહા હેતવાળી દયાળી જ મા તું
-દલપતરામ
————————–
સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
. – સુરેન ઠાકર ‘મેહુલ’
મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ
સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?.
– મનોહર ત્રિવેદી
ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા
રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી.
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’
તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા
જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ
સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી
રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’
છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક
ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ
આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી
હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત
મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા
સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી
ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’
એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ