અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતમીડિયાવિશેષસંવાદનો હેલ્લારો

ગુલામીની માનસિકતા છોડીને ચાલો “ભારતકુળ” અપનાવીએઃ CM ભૂપેન્દ્ર પટેલની યુવાનોને હાકલ

  • સરકાર અને મીડિયા- બંનેનો હેતુ લોકકલ્યાણનો છે: ભૂપેન્દ્રભાઈ પટેલ
  • યુવા પેઢીને પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાના મૂલ્યો સાથે જોડવામાં આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ બનશે
  • ‘ભારતકૂલ’ જેવાં આયોજનો થકી રાજ્યના યુવાનોને દેશ-રાજ્યના ધાર્મિક, સામાજિક અને કલાત્મક વારસાથી વધુ માહિતગાર થશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ, 14 નવેમ્બર, 2024: ગુલામીની માનસિકતા છોડીને સૌએ ભારતીય સંસ્કૃતિ પરંપરા અર્થાત ભારતકુળને અપનાવવું જોઈએ તેમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અહીં જણાવ્યું હતું. ગુજરાત મીડિયા ક્લબ (જીએમસી)ના સહયોગથી ભારતકુળ સંસ્થા દ્વારા આયોજિત ચાર દિવસના સમારંભનું ઉદ્દઘાટન કરતા મુખ્યપ્રધાને આ મુજબ કહ્યું હતું.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત ભાવ, રાગ અને તાલના સંગમ એવા ‘ભારતકૂલ’ મહોત્સવનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશ અને રાજ્યની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતાં આવાં આયોજનો દેશના યુવાનોને ગુલામીની માનસિકતામાંથી બહાર લાવવામાં મહત્વનું યોગદાન આપે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો જે કોલ આપ્યો છે તેને સાકાર કરવા માટે ‘અમૃતકાળ’ને સાચા અર્થમાં ‘કર્તવ્યકાળ’ તરીકે ચરિતાર્થ કરવા સૌને સાથે મળીને પ્રતિબદ્ધ થવા મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.

ભારતકુલ સમારંભ - HDNews
ભારતકુલ સમારંભ – photo@iharshsanghavi

સંસ્કૃતિ વિશે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણી સંસ્કૃતિ અને ઇતિહાસને હરહંમેશ જીવંત રાખવી જોઈએ. આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને આપણી સંસ્કૃતિ, કલા અને ઇતિહાસ સાથે જોડશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે યુવા પેઢીને આપણી સનાતન સભ્યતાના મૂળત: મૂલ્યોનો પરિચય થાય તે પણ અત્યંત જરૂરી છે. જેમ ઘટાદાર વૃક્ષ માટે ઊંડા અને મજબૂત મૂળ હોવા જરૂરી છે તેમ સંસ્કૃતિ સંસ્કાર અને વિરાસતના જતન સંવર્ધનને સંગીન બનાવવા તેની સાથે યુવા શક્તિનું જોડાણ પણ આવશ્યક છે.

મીડિયાની કામગીરીને બિરદાવતા રાજ્યના મુખ્યપ્રધાને કહ્યું કે મીડિયાનો ‘ભાવ’ સમાજ માટે સારું કરવાનો હોય છે માટે માધ્યમોની સાચી ટીકાઓને વિશાળ લોકહિતમાં ધ્યાને લઈ આપણે કાર્ય કરવું જોઈએ કારણ કે, સરકાર અને માધ્યમો- બંનેનો હેતુ આખરે તો લોકકલ્યાણનો જ છે. મુખ્યમંત્રીએ સૌને સાથે મળીને આપણી સંસ્કૃતિ અને વિરાસતને જીવંત રાખીને વડાપ્રધાનના ‘વિકસિત ભારત‘ના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે ગૃહ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ ‘ભારતકૂલ’ કાર્યક્રમ દ્વારા આજની યુવા પેઢીને ભારત, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વિચારો અંગે ઊંડી સમજ આપતાં આયોજન બદલ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું કે ભારતીય સંસ્કૃતિ, કલા અને સંગીતને ઉજાગર કરવા માટે રાજ્ય સરકાર તત્પર છે, અને ભારતકૂલ દ્વારા ચાર દિવસ સુધી ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રનિર્માણને લગતા વિવિધ વિષયો પર કાર્યક્રમોનો વધુમાં વધુ યુવાનોને લાભ લેવા અપીલ કરી હતી.

ભારતકુલ સમારંભ - HDNews
ભારતકુલ સમારંભ – photo by Alkesh Patel

ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ડૉ. નીરજા ગુપ્તાએ પોતાના ટૂંકા સંબોધનમાં ભારતકુળના વિચારને આવકારવા સાથે કહ્યું હતું કે, કોઇક રીતે સૌ કોઈ ભારતીય પરંપરાને ઓછું મહત્ત્વ આપે છે અને ત્યારે આવા સમયે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે આનંદની વાત છે. ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં ભારતકુળ ઉત્સવનું આયોજન કરવા બદલ આયોજકોનો આભાર માનતાં તેમણે કહ્યું હતું કે, આગામી ચાર દિવસ આપણે સૌ ભારતીય પરંપરાને ઉજવીશું.

યુવાનોને ગુજરાતના ઐતિહાસિક, સાંસ્કૃતિક, ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની હાકલ કરતાં હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે આપણી યુવા પેઢી ગુજરાતની સંસ્કૃતિની સાથે સાથે ભારતના વિવિધ રાજ્યોને જોડી તે રાજ્યોની ધરોહર અને સંસ્કૃતિ વિશે લોકોને માહિતગાર કરી શકે તેવા કાર્યક્રમો સતત થતા રહે, જેથી એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થાય તેવી ભાવના તેમણે પ્રગટ કરી હતી.

આ પ્રસંગે ગુજરાત મિડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂરે સંસ્થાનાં કાર્યો તથા ‘ભારતકૂલ’ કાર્યક્રમ વિશે વિસ્તૃત જાણકારી આપી, આ આયોજનને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ ગણાવ્યું હતું. જ્યારે ભારતકુળના સંસ્થાપક મલ્હાર દવેએ સૌને આવકાર્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે વિરાજ અમર અને તેની ટીમ દ્વારા શાસ્ત્રીય સંગીતની અત્યંત ભાવવાહી પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

ભારતકુલ સમારંભ - HDNews
ભારતકુલ સમારંભ – photo by Alkesh Patel

ભારતકૂલ મહોત્સવ કુલ ચાર દિવસ સુધી ચાલશે જેમાં ભાવ, રાગ અને તાલના કાર્યક્રમો જેવા કે, ધાર્મિક કાર્યક્રમો, શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો, પત્રકારત્વ સંસ્કૃતિ, ફિલ્મોની સંસ્કૃતિ, રંગભૂમિને લગતી સંસ્કૃતિ, ચિત્ર પ્રદર્શન, શિલ્પ પ્રદર્શન, રંગયાત્રા, ફોટોગ્રાફી એક્ઝિબિશન, ગુજરાતી ભાષાનો રંગારો, ભારતીય વિજ્ઞાન સંસ્કૃતિના કાર્યક્રમો, આરોગ્ય, વેપાર વાણિજ્યના કાર્યક્રમો, રમતગમત વિચાર, પ્રવાસન તેમજ રાષ્ટ્રીય-નિર્માણ અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં અમદાવાદનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય જીતુભાઈ પટેલ, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, ધિયાન મીડિયાના સંસ્થાપક બલરામભાઈ પઢિયાર તેમજ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓ તેમજ સાહિત્યરસિકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

તમામ ચાર દિવસના કાર્યક્રમોની વિગતો આ પ્રમાણે છેઃ

ભારતકુલ સમારંભ - HDNews
ભારતકુલ સમારંભ – Day – 1
ભારતકુલ સમારંભ - HDNews
ભારતકુલ સમારંભ – Day 2
ભારતકુલ સમારંભ - HDNews
ભારતકુલ સમારંભ – Day 3
ભારતકુલ સમારંભ - HDNews
ભારતકુલ સમારંભ – Day 4

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલ 14 નવેમ્બરે ભારતીય જ્ઞાન પ્રણાલીના સાંસ્કૃતિક પ્રદર્શન – ‘ભારતકુલ’નું ઉદ્દઘાટન કરશે

Back to top button