ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

તેમને મજા કરવા દો, અમે જોઈ લઈશું: રોહિત શર્માએ ટેસ્ટ પહેલા બાંગ્લાદેશ વિશે આ શું કહ્યું?

  • બાંગ્લાદેશે પહેલીવાર પાકિસ્તાનને રાવલપિંડીમાં રમાયેલી બંને ટેસ્ટમાં હરાવ્યું હતું

ચેન્નાઈ, 17 સપ્ટેમ્બર: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. 2 ટેસ્ટ મેચની શ્રેણી પહેલા, રોહિત શર્માએ આજે મંગળવારે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માને બાંગ્લાદેશી ખેલાડીઓ દ્વારા કરવામાં આવતા નિવેદન વિશે પૂછવામાં આવ્યું હતું. જેના પર રોહિત શર્માએ કહ્યું કે, “બાંગ્લાદેશી ટીમને મજા કરવા દો, અમે તેમને જોઈ લઈશું. બધી ટીમોને ભારતને હરાવવામાં મજા આવે છે, તેમને મજા લેવા દો.” થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશે પહેલીવાર પાકિસ્તાનમાં બે ટેસ્ટ મેચની શ્રેણી જીતી હતી. આ પછી તેનો ઉત્સાહ ચરમસીમા પર છે. બાંગ્લાદેશે રાવલપિંડીમાં રમાયેલી બંને ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. તેણે પ્રથમ ટેસ્ટ 10 વિકેટથી અને બીજી ટેસ્ટ 6 વિકેટથી જીતી હતી.

રોહિતે વધુમાં કહ્યું કે, “જ્યારે ઈંગ્લેન્ડ ગયો ત્યારે તેમણે પણ પ્રેસમાં ઘણું કહ્યું, પરંતુ અમે તેના પર ધ્યાન આપ્યું નહીં. અમે સારું ક્રિકેટ રમવાનો પ્રયાસ કરીએ છીએ. મારા મગજમાં હંમેશા આ વાત ચાલતી રહે છે કે હું કેવી રીતે જીતી શકું. અમે ક્રિકેટરો પાસે રમતને પ્રભાવિત કરવા માટે મર્યાદિત સમય હોય છે, અમે જે પણ રમીએ છીએ તે જીતવા માંગીએ છીએ.”

 

શું બ્રેકની ટીમ ઈન્ડિયા પર થશે અસર?

રોહિત શર્માએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ટેસ્ટ મેચમાં બ્રેક બાદ ટીમ રમવા આવી રહી છે તો પણ આ બ્રેકની વધારે અસર નહીં થાય, કારણ કે પહેલા પણ આવું બન્યું છે. આવી સ્થિતિમાં, અમે આ પરિસ્થિતિને સરળતાથી સ્વીકારી લઈશું, આ કારણોસર ચેન્નાઈમાં એક નાનકડા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ખેલાડીઓ લાંબા સમયથી રમ્યા નથી તેઓ દુલીપ ટ્રોફી રમીને અહીં પહોંચ્યા છે.

હકીકટમાં, ભારતીય ક્રિકેટ ટીમે તેની છેલ્લી ટેસ્ટ મેચ માર્ચ 2024માં ઈંગ્લેન્ડ સામે ધર્મશાલામાં રમી હતી. ભારતીય ટીમે જાન્યુઆરી 2024થી માર્ચ 2024 વચ્ચેની તે શ્રેણી 4-1થી જીતી હતી.

રોહિતે બુમરાહના વર્કલોડ મેનેજમેન્ટ પર વાત કરી

રોહિતે વર્કલોડ મેનેજમેન્ટ પર કહ્યું કે, અમે તો ઈચ્છીએ છીએ કે શ્રેષ્ઠ ખેલાડી હંમેશા રમે, પરંતુ અહીં જોવાનું એ રહેશે કે T20 ટેસ્ટ મેચની મધ્યમાં થઈ રહી છે. આવી સ્થિતિમાં આપણે વર્કલોડ મેનેજમેન્ટનું ધ્યાન રાખવું પડશે. બુમરાહને લઈને રોહિતે કહ્યું કે, ઈંગ્લેન્ડ સિરીઝમાં પણ અમે બુમરાહને આરામ આપ્યો હતો અને મોહમ્મદ સિરાજને તક આપી હતી.

રોહિતે ખુલ્લેઆમ KL રાહુલનું સમર્થન કર્યું

કે.એલ.રાહુલ વિશે રોહિત શર્માએ કહ્યું કે, કે.એલ. રાહુલ વાપસી બાદ સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. હૈદરાબાદમાં તે સારું રમ્યું, જે પછી તે ઈજાગ્રસ્ત થયો. અમે કે.એલ. રાહુલને જે સંદેશ આપ્યો હતો તે મુજબ તે રમ્યો; મને આશા છે કે તે ત્યાંથી રમશે જ્યાંથી તેણે હૈદરાબાદ ટેસ્ટ મેચ છોડી હતી. કે.એલ. રાહુલે દક્ષિણ આફ્રિકા સામે પણ સદી ફટકારી હતી. રાહુલમાં ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા છે, મને એવું કોઈ કારણ દેખાતું નથી કે તે આ ફોર્મેટમાં સફળ ન થઈ શકે.’

ઉલ્લેખનીય છે કે, રાહુલે તેની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચોમાં સાઉથ આફ્રિકામાં સદી ફટકારી હતી, જે તાજેતરના સમયમાં શ્રેષ્ઠ ટેસ્ટ ઇનિંગ્સમાંની એક છે અને ઇજા પહેલા હૈદરાબાદમાં રમાયેલી છેલ્લી ટેસ્ટમાં તેણે 86 રન બનાવ્યા હતા. બીજી તરફ સરફરાઝ ખાનને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તક મળી હતી. જ્યાં તેણે 3 મેચની 5 ઇનિંગ્સમાં 50ની એવરેજથી 200 રન બનાવ્યા હતા.

રોહિતે ગૌતમ ગંભીર અને અભિષેક નાયર પર વાત કરી હતી

રોહિત શર્માને પ્રેસ કોન્ફરન્સમાં નવા કોચિંગ સ્ટાફના આગમન પછી થયેલા ફેરફારો અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો. આ અંગે રોહિતે કહ્યું કે, નવો સ્ટાફ આવ્યો છે પરંતુ હું ગૌતમ ગંભીર અને અભિષેક નાયર (સહાયક કોચ)ને પહેલેથી જ ઓળખું છું, હું મોર્ને મોર્કેલ (બોલિંગ કોચ) સામે રમ્યો છું અને રેયાન ટેન ડોશેટ (સહાયક કોચ) સામે બે મેચ રમ્યા. રાહુલ દ્રવિડ, પારસ મહામ્બ્રે, વિક્રમ રાઠોડનો અભિગમ અલગ હતો. હું 17 વર્ષથી રમી રહ્યો છું તેથી હું જાણું છું કે દરેક કોચિંગ સ્ટાફનો અભિગમ અલગ હોય છે.

આ પણ જૂઓ: ભારતીય ટીમ પ્રેક્ટિસ સેશનમાં બે ભાગમાં વહેંચાઈ, જૂઓ BCCIએ શેર કરેલો આ ખાસ વીડિયો

Back to top button