ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડ

પાકિસ્તાન ગરીબીથી બેહાલ, ગયા મહિને 5 હજારથી પણ ઓછા વેચાયાં વાહનો

Text To Speech

કરાચી (પાકિસ્તાન), 19 ડિસેમ્બર: દેવાં તળે ફસાયેલા પાકિસ્તાનની બરબાદ અર્થવ્યવસ્થા કોઈનાથી છુપાયેલી નથી. પાકિસ્તાનમાં ગરીબોની જ નહીં અમીરોની પણ હાલત કફોડી છે. ત્યાં કારના વેચાણમાં ધરખમ ઘટાડો થયો છે. પાકિસ્તાન ઑટોમેટિવ મેન્યૂફેક્ચર્સ એસોસિએશને ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. નવેમ્બર મહિનામાં માત્ર 4,875 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. એક વર્ષ અગાઉના આંકડા કરતાં આ 68 ટકાનો ઘટાડો છે. જો કે, આ જ સમયે ગયા વર્ષે પાકિસ્તાનમાં 15,432 પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. આમ, પાકિસ્તાન ઓટોમેટિવ ઈન્ડસ્ટ્રી સંકટમાં સપડાઈ છે.

પાકિસ્તાનમાં કાર ન વેચાવા પાછળનું કારણ

પાકિસ્તાનમાં ઑટોમેટિવ ઈન્ડસ્ટ્રીમાં આ મંદી પાછળ ઘણાં કારણો જવાબદાર છે. તેમાં મુખ્યત્વે ખર્ચમાં વધારો, ફુગાવો, સંઘર્ષ કરી રહેલા અર્થતંત્રમાં બજારમાં ઘટતી જતી માંગ, પાકિસ્તાની રૂપિયામાં ઘટાડો અને વાહનોની ખરીદી પર ઊંચા કરનો સમાવેશ થાય છે. આમ, પણ છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કંગાળ હાલતમાં છે. જો કે, પાકિસ્તાનથી વિપરીત ભારતમાં ઑટોમેટિવ ઈન્ડસ્ટ્રીને મોટી સફળતા હાંસલ કરી છે. માત્ર નવેમ્બર મહિનામાં જ તેઓએ 3.6 લાખથી વધુ યુનિટ્સ વેચ્યા છે. મતલબ કે નવેમ્બરમાં ભારતમાં દર કલાકે 500થી વધુ કારનું વેચાણ થયું હતું. આ માહિતી FADA દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પરથી મળી છે.

ગયા મહિને પાક. સુઝુકીએ વાર્ષિક ધોરણે વેચાણમાં 72%, ઇન્ડસ મોટર કંપની લિમિટેડના વેચાણમાં 71%, જ્યારે હોન્ડા એટલાસ કારના વેચાણમાં 49%નો ઘટાડો નોંધાવ્યો હતો. કારના વેચાણમાં ઘટાડા સાથે, ટોયોટા, સુઝુકી અને હોન્ડા સહિત અનેક ઓટોમેકર્સે ગયા મહિને પાકિસ્તાનમાં તેમના સંબંધિત પ્લાન્ટમાં ઉત્પાદન અટકાવ્યું હતું.

પાકિસ્તાની ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીનું હવે શું થશે?

ભારત અને પાકિસ્તાનના ઑટોમોટિવ માર્કેટના આંકડાઓમાં આ મોટો તફાવત પાકિસ્તાનના ઑટોમોટિવ ઉદ્યોગના ભવિષ્ય અંગે ચિંતા પેદા કરી રહ્યો છે. પાકિસ્તાનનો ઓટો ઉદ્યોગ વધુ ખરાબ સ્થિતિમાંથી પસાર થશે કે સુધરશે તે તો સમય જ કહેશે. દક્ષિણ એશિયાનો ઓટોમોટિવ ઉદ્યોગ સતત વધી રહ્યો છે જેના કારણે પાકિસ્તાન ચિંતામાં છે.

આ પણ વાંચો: દાઉદ સાથે શું થયું, પાકિસ્તાનની પત્રકારે કર્યો ખુલાસો

Back to top button