વડોદરામાં લેપ્રેસી ગ્રાઉન્ડ અને ખોડિયાનગરના પ્લોટ્સમાં પાણી ઓસરતા જ નથી, રોગચાળાનો ભય
વડોદરાઃ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં માંડ સાત ઇંચ વરસાદ પડ્યો છે. પરંતુ શહેરના ખોડિયાનગર અને બાપોદ વિસ્તારમાં લેપ્રસી મેદાનમાં હજુ પણ પાણી ભરાયેલા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને શહેરમાં રોગચાળો વધે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
વડોદરા શહેરમાં ગંદુ પાણી પીવાથી શંકાસ્પદ કોલેરામાં એક યુવતીનું મોત થતાં ચકચાર મચી છે, ત્યારે બાપોદ વિસ્તારમાં આવેલ લેપ્રેસી મેદાનમાં હજુ પણ ઘણી જગ્યાએ બબ્બે ફૂટ પાણી ભરેલા છે. આ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 18 જૂનના રોજ વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. ત્યારે જે ગેટથી તેમની વીવીઆઇપી એન્ટ્રી કરાવાઇ હતી ત્યાંથી લઇને સામેના ગેટ સુધી હજુ પણ પાણી છે.
વડાપ્રધાન મોદીની સભાનું આયોજન થયું ત્યારે પણ વાવાઝોડું અને વરસાદની સ્થિતિ હતી જેથી ત્યાં જર્મન ડોમ બાંધવામાં આવ્યા હતા અને તે એટલા મજબૂત હતા કે 100 કિમીની વાવાઝોડું આવે તો પણ ટકી શકે. તેમજ વરસાદ પડે તો તેના પાણીનો નિકાલ થઇ જાય તેવી વ્યવસ્થા કરાઇ હતી. ત્યારે હવે આ જ મેદાનમાં ઘણાં દિવસથી ભરેલા પાણી હજુ પણ ઘટતાં નથી.
પાણી ભરેલા લેપ્રસી ગ્રાઉન્ડમાં પોલીસના બેરિકેડ સડે છે
લેપ્રેસી ગ્રાઉન્ડમાં વડાપ્રધાનની સભા દરમિયાન પોલીસ દ્વારા બેરિકેડ મૂકાયા હતા. જેમાંના કેટલાક બેરિકેડ હજુ પણ ત્યાં પડ્યાં છે અને કેટલાક પાણીમાં આડા પડી ગયા છે. આ બેરિકેડ પર બાપોદ પોલીસ સ્ટેશનનું નામ લખાયેલું છે. ઉલ્લેખનીય છે કે, બાપોદ પોલીસ સ્ટેશન અહીંયાથી માંડ એક કિલોમીટર પણ દૂર છે.
ખોડિયારનગરમાં બે મોટા પ્લોટમાં ગંદા પાણી
શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખોડિયારનગર વિસ્તારમાં વિશ્વકર્મા નગરની સામે આવેલા એક વિશાળ પ્લોટમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અને પાણીને ગટરમાં માર્ગ કરીને નિકાલ કરવામાં આવી રહ્યો છે. જ્યાં સ્થાનિક રહીશ કલારામ ભાઇએ કહ્યું હતું કે, છેલ્લા દસ દિવસથી અહીં પાણી ભરાયેલું છે. કોર્પોરેશનમાં જાણ કરાતા જેસીબી દ્વારા ખોદી પાણીનો નિકાલનો રસ્તો કરાયો છે. પાણી ભરાઇ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધી શકે છે. રોગચાળાની શક્યાતા રહે છે.
ગંદા પાણીમાં મચ્છરો થયા
ખોડિયાનગરમાં જ શ્રીરંગમ વિન્ટેઝ સોસાયટીની સામે આવેલા એક પ્લોટમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે. આ સિવાય તેની પાસે આવેલા અન્ય એક પ્લોટમાં પણ વરસાદના ગંદા પાણી ભરેલા છે અને તેમાં મચ્છરો પણ છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના જેતલપુર વિસ્તારમાં વડોદરાના મેયર કેયુર રોકડિયાના વોર્ડમાં જ તુલસી નામની યુવતીનું ગંદુ પાણી પીવાથી બિમાર થતાં મોત નિપજ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મેયરે સોમવારે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને જરૂર પડ્યે આ વિસ્તારમાં પાણીની નવી લાઇન નાખવી પડે તો તે પણ નાખી આપીશું તેમ જણાવ્યું હતું. બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અમી રાવતે પણ આ પરિવારની મુલાકાત લીધી હતી અને સાંત્વના પાઠવી હતી. સાથે યુવતીના મોત માટે કોર્પોરેશનની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી.