જૂનાગઢ કૃષિ યુનિ.ની લેબમાં દીપડો ઘૂસ્યો, વન વિભાગે બેભાન કરી પાંજરે પૂર્યો
જૂનાગઢ, 12 જુલાઈ 2024, કૃષિ યુનિવર્સિટીમાં આજે સવારે દીપડો ઘૂસી આવતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. કૃષિ યુનિવર્સિટીની બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘૂસી જતા વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. વનવિભાગની ટીમ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવી ટ્રાન્કિવલાઈઝર ગનની મદદથી દીપડાને બેભાન કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો. વનવિભાગે ચાલુ વરસાદમાં એક કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દીપડાને પકડી લેતા યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
દીપડાને બેભાન કરી પાંજરે પૂરવામાં સફળતા મળી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલી બાયો એનર્જી લેબમાં આજે સવારે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ માટે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ લેબોરેટરીમાં દીપડાને જોતા જ દોડધામ મચી હતી. તમામ વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા. લેબોરેટરીનો દરવાજો બંધ કરી આચાર્યને જાણ કરવામાં આવી હતી.કૃષિ યુનિવર્સિટીની લેબોરેટરીમાં દીપડો બંધ હોવાથી વનવિભાગની ટીમ દ્વારા ટ્રાન્કિવલાઈઝર ગનની મદદથી બેભાન કરી રેસ્ક્યૂ કરવાનો નિર્ણય કર્યો હતો. વનવિભાગની ટીમે ચાલુ વરસાદમાં એક કલાકની જહેમત બાદ દીપડાને બેભાન કરી પાંજરે પૂરવામાં સફળતા મળી હતી.
દીપડો એવી જગ્યાએ હતો કે ત્યાંથી પકડવો મુશ્કેલ હતો- ડીન
આ બાબતે કૃષિ યુનિવર્સિટીના ડીન વી.પી.ચોવટીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના લેબોરેટરી વિભાગમાં સવારના જ્યારે વિદ્યાર્થીઓ લેબોરેટરીમાં પ્રેક્ટિકલ માટે ગયા ત્યારે વિદ્યાર્થીઓને ત્યાં દીપડો હોવાની જાણ થઈ હતી. જે મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની રેસ્ક્યૂ ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીપડાનું રેસક્યૂ કરવામાં આવ્યું હતું. આ દીપડો લેબોરેટરીમાં એવી જગ્યાએ સંતાયેલ હતો કે જ્યાં રેસ્ક્યૂ કરવું પણ મુશ્કેલ હતું.
આ પણ વાંચોઃવડોદરાઃ નદીમાં માછલી પકડવા ગયેલા યુવકને 10 જેટલા મગરો ખેંચી ગયા