દીપડાનો હુમલો: ગીર ગઢડામાં 4 વર્ષની બાળકી બની દીપડાનો શિકાર
ગીર ગઢડા, 16 સપ્ટેમ્બર, અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આંતક સતત વધી રહ્યો છે. વન્ય પ્રાણીઓના હુમલાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે વધુ એક દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. ગીર ગઢડાના કોદીયા ગામે ઘરના રસોડામા બેઠેલી 4 વર્ષીય બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. બાળકીના મૃત્યુથી તેમના પરિવારમાં શોકનું મોજુ ફળી વળ્યું હતું. ઘટના જાણ થતા જ વન્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીના મૃતદેહને પીએમ માટે ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે.
કોદીયા ગામે માલધારીની માનવ વસવાટમાં રહેતાં વાધાભાઈ ભકાભાઈ જોગરાણા પરીવાર સાથે ભોજન લેવાની તૈયારી કરતા હતા. આ સમયે તેમની ચાર વર્ષની દિકરી ધ્રુવી ફળીયામાં રમતી હતી. પરિવાર ભોજન કરવાની તૈયારી કરી રહ્યો હતો અને તેવામાં દીપડો ત્રાટક્યો હતો. દીપડાએ 4 વર્ષની બાળકી પર ગળાના તેમજ મોઢાના ભાગે હુમલો કર્યો હતો. જેમાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અચાનક ઘટના બનતા ત્યાં હાજર રહેલા લોકોએ દોડી ધ્રુવીને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતું એટલીવારમાં બાળકી તરફડીને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ગંભીર ઇજા થતાં મૃત્યુ નિપજ્યું હતું. રાત્રીના સમયે બનાવ બનતા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. બાળકીના મૃતદેહને ગીર ગઢડા સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. માનવ પર દીપડાના હુમલાની ઘટનાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
નોંધનીય છે કે, વન્યપ્રાણીઓના માનવ પરના હુમલાના બનાવો સતત વધી રહ્યાં હોય લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન વન્ય પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી રહેણાંક વિસ્તાર સુધી ઘસી આવ્યા છે. માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. જેથી ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. વનવિભાગ દ્વારા આ વન્ય પ્રાણીઓને જંગલ તરફ ખસેડવામાં આવે તે જરૂરી છે.
આ પણ વાંચો…અમદાવાદ: સોલા બ્રિજ પર કારે ટુ-વ્હીલરને ટક્કર મારતા મહિલાનું મૃત્યુ થયુ