મહેસુલ વિભાગના અધિકારીઓની કાયદાકીય ગૂંચવણ; ખેડૂત પોતે જ લઈ શકતો નથી “ખેડૂત પ્રમાણપત્ર”
હમ દેખેગે ન્યૂઝ ડેસ્ટ: મહેસુલ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે, નોંધ પાડવાથી લઈને એનએ સુધી આવેદનકર્તા લાખો રૂપિયા આપવા મજબૂર બન્યા છે. મહેસુલ વિભાગના અધિકારીઓએ એક એવી પ્રકારની સિસ્ટમને જન્મ જ આપી દીધો છે, જેમાં પૈસા આપવા સિવાય કામ શક્ય બનતું જ નથી. હવે આ બાબતે વધુ એક ચોંકાવનાર માહિતી સામે આવી રહી છે કે, મહેસુલ વિભાગના અધિકારીઓ જૈન, અગ્રવાલ, શાહ સહિતની વેપારી ગણાતી જ્ઞાતિના લોકોને ખેડૂત હોવાનું પ્રમાણપત્ર આપવા માટે પણ લાખો રૂપિયા પડાવી રહ્યાં છે.
મહેસુલ વિભાગના અધિકારીઓ નેક્સ લેવલના ભ્રષ્ટાચાર પર શિફ્ટ થઇ ગયા છે. રાજ્ય સરકાર અને આપણી બંધારણીય પ્રક્રિયા અનુસાર તમામ સરકારી કચેરીઓમાં કામ થતું હોય છે. સરકારી અધિકારી પોતાની ફરજ પ્રમાણે રાજ્યના વિકાસ માટે કામ પણ કરતાં હોય છે. જોકે, મહેસુલ વિભાગના અધિકારીઓ પોતાની ફરજ પ્રમાણેનું કામ કરવા માટે પણ આવેદનકર્તા પાસેથી પૈસા ઉઘરાવવા લાગ્યા છે.
મહેસુલ વિભાગને લગતો એકપણ કામ તમે પૈસા આપ્યા વગર કરાવી નાંખો તો તમે જ દેશના રાજા છો તેવું તમારે મનમોન સમજી લેવું. કેમ કે, આ વિભાગમાં ભ્રષ્ટાચારની તમામ હદ્દો ખત્મ થઇ ગઇ હોવાની બૂમરાણ મચી છે. સરકાર સિસ્ટમને સરળ બનાવવા જઇ રહી છે પરંતુ અધિકારીઓ પૈસા ઉઘરાવવાની અવનવી બારીઓ શોધી કાઢે છે, તેથી અરજદારોને પોતાનું કામ કઢાવવા માટે પૈસા આપવા જ પડે છે.
પૈસા ઉઘરાવવાની બારી નંબર-1; ખેડૂત જ નથી લઇ શકતો ખેડૂત પ્રમાણપત્ર
વર્ષ 2020થી ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેનું પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવાની પ્રક્રિયા શરૂ થઇ છે. પરંતુ તેમાં પણ એક જ ખાતેદારને જ્યારે-જ્યારે પણ બીજા તાલુકામાં જમીન ખરીદવી હોય ત્યારે-ત્યારે નવેસરથી પ્રમાણપત્ર લેવાની જોગવાઇ કરવામાં આવી છે. આ નિયમનો ફાયદો ઉઠાવી રહ્યાં છે મહેસુલ અધિકારીઓ… આ નિયમ થકી તેઓ ખેડૂત અને અન્ય લોકોને ખેડૂત પ્રમાણપત્રની અરજી પર ભાર મૂકવા માટે મજબૂર કરી દેતા હોય છે. કેમ કે, તેમને તમારે તમે ખેડૂત છો તેવું વારં-વાર લેખિતમાં જણાવવું પડશે, તે ઉપરાંત તમારે તમારી જાતને ખેડૂત પુરવાર કરવા માટે એક વાર નહીં પરંતુ અનેકવાર પુરાવાઓ પુરા પાડવા પડશે.
આ જોગવાઇના કારણે ખાતેદારે વારંવાર ઓનલાઈન પ્રમાણપત્ર મેળવવા માટે કાર્યવાહી કરવાની થાય છે. તેમાં પણ પ્રમાણપત્ર કાઢી આપવામાં અધિકારીઓને વ્યવહાર ન મળે તો કોઈપણ કારણ વગર પ્રમાણપત્રની અરજી નામંજૂર કરવામાં આવે છે. આમ નોંધ પડાવવાના પ્રથમ સ્ટેપથી જ હાલાકીથી બચવા માટે અરજદારે પ્રસાદ વહેંચવાનું શરૂ કરી દેવો પડે છે.
આ પ્રસાદના વધતા-જતા ચલણને ખત્મ કરવો હોય તો સરકારે વર્તમાન સિસ્ટમમાં સુધારો કરીને ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેનું ઓનલાઈન પ્રમાણપત્ર માત્ર એકવાર આપવામાં આવે ત્યાર પછી જ્યાં સુધી તે જમીન વેચાણ, બક્ષીસ અન્ય રીતે તબદીલ ન થાય ત્યાં સુધી નવેસરથી પ્રમાણપત્ર મેળવવાની જરૂર ન પડે તેવો સુધારો થાય તે લોકહિતમાં રહેશે.
મહેસુલ વિભાગના અધિકારીઓએ પાથરી છે કાયદાકીય જાળ
મહેસુલ વિભાગના અધિકારીઓ સરકારી નિયમો નેવે મુકીને પોતાના બનાવેલા નિયમો થકી હેરાન કરતાં હોય છે. ખેડૂતનું પ્રમાણપત્ર સરકારના નવા પરિપત્ર પછી પ્રાંત અધિકારી આપે (પહેલા મામલતદાર ખેડૂત પ્રમાણપત્ર ઇશ્યું કરતા હતા) છે. તેવામાં જો જૈન-શાહ કે અન્ય વેપારી વર્ગનો આવેદનકર્તા તેમની પાસે ખેડૂતનું પ્રમાણપત્ર લેવા જાય તો તેમને તેમની મૂળ જમીન હોય ત્યાંથી પ્રમાણપત્ર લેવાનું કહેતા હોય છે. સ્વભાવિક છે કે, તે વેપારી વર્ગ છે તેઓ જમીન ખરીદતા-વેચતા રહેતા હોય છે, તેવામાં તેમને મૂળ જમીનની પ્રાંત કચેરીમાંથી પ્રમાણપત્ર લાવવું મુશ્કેલ બની જતું હોય છે.
તો બીજી તરફ સામાન્ય માણસ ખેડૂત પ્રમાણપત્ર લેવા જાય તો તેને છેલ્લે કોઈ જમીન ખરીદી હોય ત્યાંથી પ્રમાણપત્ર લેવાનું કહેવામાં આવે છે. આમ સામાન્ય ખેડૂતોથી લઈને વેપારીઓને પોતાના શિકંજા ફસાવવા માટે મહેસુલ વિભાગના અધિકારીઓ કાયદાકીય ગૂંચવણ ઉભી કરીને પોતે બનાવેલા અવનવા નિયમોમાં ફસાવી દેતા હોય છે.
મહેસુલ વિભાગના પ્રાંત અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવા માટે એટલા આંધળા બની ગયા છે કે, અગાઉ મામલતદાર દ્વારા આપેલા ખેડૂત પ્રમાણપત્રને પણ ખોટો ઠેરવી રહ્યાં છે. તેથી તેવા પ્રશ્ન પણ ઉભા થઇ રહ્યાં છે કે શું મામલતદાર ખોટા ખેડૂત પ્રમાણપત્ર આપ્યા હશે. પરંતુ તે પ્રશ્ન ત્યારે ખત્મ થઇ જાય છે, જ્યારે પ્રાંત અધિકારી સાથે તેનો વ્યવહાર કરી દેવામાં આવે છે.
પૈસા ઉઘરાવવાની બારી નંબર-2 ; જૈન સમુદાયને કરવામાં આવે છે ટાર્ગેટ
જૈન સમુદાય લોકો જે વેપારી પ્રજા તરીકે ઓળખાય છે. તે જૈનો પૈકી અમુક જૈન કે જે આઝાદી સમયે અને ત્યારબાદ ગામડામાં વસવાટ કરતાં હતા. પોતે ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હોવાથી તેઓ ગણોતીયા તરીક સાબિત થઇ ખરીદ કિંમત ભરી જમીનના માલીક બનેલા હોવાથી આવા ખેડૂતો ગણોતધારાની કલમ-2 અનુસાર મુળ ખેડૂત છે. આવા જૈનોના વારસ પેઢી દર પેઢી ખેતીની જમીનો ધારણ કરતાં આવ્યા છે. હાલ પણ ખેતીની જમીનો ધારણ કરે છે. ખેતીકામ સાથે સંકળાયેલા છે. આવા જૈન ખેડૂતો કે જે ગણોતધારાની જોગવાઈઓ મુજબ કાયદેસરના ખેડૂત છે. તેવા ખેડૂતો કે જે એક તાલુકામાંથી બીજા તાલુકામાં જમીન વેચાણથી રાખે ત્યારે મહેસુલ વિભાગના પરિપત્ર અનુસાર ખેડૂત ખાતેદાર ખરાઇ અંગેનું પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવાની અરજી કરે તો આવા જૈન ખેડૂતોને રેવન્યૂ અધિકારીઓ એકયા બીજા બહાને બીનખેડૂત ગણી હેરાન-પરેશાન કરી મોટા પાયે ભ્રષ્ટાચાર કરતાં હોવાના કિસ્સા સામે આવી રહ્યાં છે.
તે ઉપરાંત આવા જૈન ખેડૂતને ઓનલાઈન ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની અરજી કરે તો સત્તાધીશ અધિકારી મોટા રૂપિયા પડાવવા યેનકેન પ્રકારના બહાને વારંવાર અરજી દફતરે કરે છે. તે જ અધિકારી આવા જૈન ખેડૂતો પાસેથી રૂપિયા પડાવવા માટે વારંવાર દફતરે કરેલ અરજી મંજૂર કરી પ્રમાણપત્ર આપતા હોવાના અનેક કિસ્સા બની રહ્યાં છે. તે ઉપરાંત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સક્ષમ અધિકારી ખેડૂત પ્રમાણપત્રની અરજી વારંવાર દફતરે કર્યા પછી મોટા પ્રમાણમાં પૈસા પડાવી કોઈપણ અગત્યના કારણ વગર ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવે છે. આમ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.
ખેડૂત પોતે લઇ શકતો નથી ખેડૂતનું પ્રમાણપત્ર
મહેસુલ અધિકારીઓની અનીતિના કારણે જે મૂળ ખેડૂતો છે, તેમને “ખેડૂત પ્રમાણપત્ર” લેવાનું ખુબ જ અઘરૂ બની ગયું છે. તો બીજી તરફ નકલી ખેડૂતો લાલચું અને પૈસાના ભૂખ્યા અધિકારીઓ પાસેથી પૈસાના જોરે તમામ કામ કરાવી લેતા હોય છે. મહેસુલ અધિકારીઓની રહેમ નજર હોય તો ખેડૂત બનવું પણ સરળ છે. પરંતુ મહેસુલ અધિકારીની રહેમ નજર માટે ખિસ્સામાં જોર હોવું જરૂરી છે.
મહેસુલ વિભાગના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરવામાં મહારથી બની ગયા છે. ના તેમને સરકારનો ડર છે ના સિસ્ટમનો, જેમ આપણે આગળની સ્ટોરીમાં જણાવ્યું તેમ મહેસુલ વિભાગના અધિકારીઓ પાસે મહાભારતના કર્ણ જેવું કવચ અને કૂંડળ છે. તેથી હવે સરકારે તેમના કવચ અને કૂંડળ પરત લેવાની કાર્યવાહી કરીને મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓની શાન ઠેકાણે લાવવી જોઇએ. તેઓ સરકાર અને બંધારણથી પણ ઉપરવટ્ટ જઇને પોતાનું ભ્રષ્ટાચાર આચરતા થઇ ગયા છે, જે એક દિવસ સરકાર માટે જ ખતરનાક સાબિત થઇ શકે છે.
મહેસુલ અધિકારીઓ પોતાની ફરજની સાથે-સાથે ભાન પણ ભૂલ્યા
ઉલ્લેખનિય છે કે, જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જવાબદારી નિભાવી રહ્યાં હતા, ત્યારે સરકારી અધિકારીઓ પોતાની હદ્દમાં રહીને કામ કરતાં હતા. પરંતુ જ્યારથી ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફાર થયા છે, ત્યારથી ગુજરાતી સરકારી અધિકારીઓને પોતાની ફરજની સાથે-સાથે ભાન પણ ભૂલી ગયા હોય તેવુ દેખાઇ રહ્યું છે. પરંતુ વર્તમાનમાં હર્ષ સંઘવી જેવા સક્રિય યુવા નેતાઓએ આવા નફ્ફટ અધિકારીઓને ફરજનિષ્ઠ બનાવવા માટે મેદાનમાં ઉતરવું પડશે. કેમ કે સરકારી અધિકારીઓ રીતસરના ડાકૂઓની ભૂમિકામાં આવીને રૈયતને રજાડી રહ્યાં છે, તેવામાં રાજાએ રૈયતના રક્ષણની જવાબદારી નિભાવવી જરૂરી છે. સ્વભાવિક છે કે, રૈયતે ભારતીય જનતા પાર્ટીને તેની જવાબદારી સોંપી છે.