કેમિકલ કંપનીની નોકરી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી બન્યા પ્રાકૃતિક કૃષિ કન્વીનર
74 મા પ્રજાસત્તાક પર્વે અમદાવાદ જિલ્લાના જિલ્લા કક્ષાની ઉજવણીમાં માંડલ તાલુકાના કડવાસણ ગામના પ્રગતિશીલ ખેડૂત વાસુદેવભાઈ આર ડોડીયાનું કૃષિ વિભાગ તરફથી સન્માન કરવામાં આવ્યુ છે. આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ગામ દીઠ 75 ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તેવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાજ્યભરમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વાસુદેવભાઈએ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવીને રાજ્યભરના ખેડૂતોને નવી રાહ ચિંધી છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ વાસુદેવભાઈ કેમિકલ કંપનીમાં કામ કરતા હતા. 2018માં તેમણે ડીસા ખાતે સુભાષ પાલેકરજીની શિબિરમાં ભાગ લીધો અને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરાયા. રાસાયણિક ખેતીની સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તેમાં જરૂરી રાસાયણિક ખાતરો અને દવાઓની માત્રા દિવસ અને દિવસે વધારવી પડતી હતી. જો તેનું પ્રમાણ ઘટાડવામાં આવે તો ઉત્પાદન ખૂબ ઓછું આવતું તેમજ રાસાયણિક ખાતરો દવાઓ અને બિયારણના ભાવ સતત વધતા જતા હતા. પરિણામે ખેતી ખર્ચ વધતો તથા દિવસેને દિવસે જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટતી જતી હતી અને જમીન નિર્જીવ થતી જતી હતી. વધુમાં રાસાયણિક ખેતીની ઉપજના ભાવ પણ યોગ્ય મળતા ન હતા. આથી તેમણે રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતી અપનાવી ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવાની સાથે લોકોનું સ્વાસ્થ્ય સુધારવા માટે નિમિત્ત બનવાનું નક્કી કર્યું.
આ પણ વાંચો : ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સરકારે લીધો મોટો નિર્ણય
વાસુદેવભાઈએ પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે પોતાના જ ઘરે રહેલી ગાયના છાણ તથા ગૌ મૂત્રથી તૈયાર કરેલું જીવામૃત તથા ઘન જીવામૃતનો ઉપયોગ કર્યો. સાથોસાથ ગાંગડા હિંગ, ચણાનો લોટ, હળદર અને અજમો સહિત હાથવગી ગુણકારક વસ્તુઓનો ઉપયોગ કર્યો. જીવામૃત બનાવવાની રીત સમજાવતા તેઓ કહે છે કે, 180 લીટર પાણીમાં 10 કિલો જેટલું ગાયનું તાજું છાણ, 1 કિલો ચણાનો લોટ, 1 કિલો દેશી ગોળ અને ગૌમૂત્રને મિશ્રિત કરી પાંચ દિવસ સુધી હલાવવાનું રહે છે. ત્યારબાદ 15 દિવસમાં તેને પાણી સાથે આપવાથી જમીનની ગુણવત્તા સુધરી છે. આ ઉપરાંત કિટનાશક દવા તરીકે ખાટી છાશનો છંટકાવ કર્યો, જેનાથી પાકને ફાયદો થયો હોવાનું પણ વાસુદેવભાઈ જણાવી રહ્યા છે.રાસાયણિક ખેતીમાં વર્ષોથી વપરાતા ખાતર અને દવાને કારણે જમીન નિર્જીવ બની હતી. જમીનની ભેજધારણ ક્ષમતા પણ ઘટી હતી અને વધુ પાણીની જરૂરિયાત રહેતી હતી. જેની સામે પ્રાકૃતિક ખેતીમાં જમીનની ભેજ ધારણ ક્ષમતામાં પણ વધારો થયો છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કર્યા બાદ ખેતરમાં જીવજંતુઓ અને પાકમિત્ર પશુ-પક્ષીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. અન્ય વિસ્તારની સરખામણીમાં તેઓનું પ્રમાણ પ્રાકૃતિક ખેતી થતા ખેતરમાં વધારે જોવા મળે છે. જેના કારણે જૈવિકચક્રનો વિકાસ પણ થયો છે. જે રાસાયણિક ખેતી આધારિત ખેતરમાં જોવા મળતું નથી.
આ પણ વાંચો : પાલનપુર: સરહદી ગામ લોદ્રાણીના રણમાં પહોંચ્યા નર્મદાના નીર, ચાતક નજરે પાણીની રાહ જોતા ખેડૂતોની આશા ફળી
વાસુદેવભાઈ જણાવે છે કે, રાસાયણિક ખેતીના ખર્ચની સામે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચમાં ઘણો ઘટાડો થયો છે. તેનું એક કારણ બિયારણ પણ છે. શરૂઆતમાં તેઓ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસેથી બિયારણ લેતા હતા અને હવે દેશી બિયારણની ખેતી કરી તેમાંથી જ ગુણવત્તાસભર ઉત્કૃષ્ટ બીજને પછીની સીઝનમાં બિયારણ તરીકે ઉપયોગ કરે છે. વર્ષ દરમિયાન સિઝન પ્રમાણે બાજરી, જુવાર, રાગી સહિત 8 ધાન્ય પાકો, તુવેર, મગ, ચણા સહિતના કઠોળ પાકો અને વિવિધ શાકભાજીનું વાવેતર તેઓ કરે છે. તેઓ આંતરખેડ કરીને વર્ષે સારું એવું ઉત્પાદન મેળવે છે. આમ, અન્ય ખેડૂતો પણ મોનોક્રોપીંગ છોડીને વાવેતરમાં વિવિધતા લાવે તેવી અપીલ વાસુદેવભાઈ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા વર્ષ 2023-24ના બજેટમાં આદિવાસી જિલ્લા તથા ખેડૂતોને થશે મોટો લાભ
વાસુદેવભાઈ પ્રાકૃતિક પદ્ધતિથી તુવેર, ચણા, સોયાબીન અને શાકભાજી સહિતની ખેતપેદાશોનું મૂલ્યવર્ધન કરી રહ્યા છે. ઓર્ગેનિક તુવેરમાંથી દેશીપદ્ધતિ દ્વારા તેઓ તુવેરદાળ બનાવે છે. લીલા ચણાને શેકીને દેશી ઘી અને ગોળ મિશ્રિત ચોકલેટને ટક્કર માટે તેવું જાદરિયું બનાવે છે. આવા વિવિધ ઉત્પાદનોને પરિવારજનોની મદદથી પેકીંગ કરી અમદાવાદ શહેરમાં વેચાણ અર્થે લઈ જાય છે. આમ, મૂલ્યવર્ધન થકી વાસુદેવભાઈ વર્ષે 4 થી 5 લાખનો મબલખ નફો મેળવી રહ્યા છે.
સરકારની પ્રાકૃતિક ખેતી માટે તાલીમ, પ્રોત્સાહક યોજનાઓ અને માર્ગદર્શક કાર્યક્રમો થકી પ્રેરણા મેળવી વાસુદેવભાઈ ડોડીયા પ્રાકૃતિક કૃષિ મંડળના કન્વીનર બની ગયા છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેતઓજારોની સબસીડી, પશુપાલન વિભાગ દ્વારા ગાયનો નિભાવખર્ચ અને બાગાયત વિભાગ દ્વારા બિયારણની ખરીદીમાં સબસીડી અને સહાયનો લાભ મળતા તેમને ખૂબ ફાયદો થયો છે. આમ, ‘ગમતાનો કરીએ ગુલાલ’ ની તર્જ પર વાસુદેવભાઈ પોતે મેળવેલા પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અન્ય ખેડૂતો સુધી પહોંચાડવા કટિબદ્ધ બન્યા છે.