‘રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો’ આ પંક્તિને સાર્થક કરી છે અમરેલીના જગદીશ બથવારે
અમરેલીઃ પોલીસ કચેરી ખાતે ફરજ બજાવતા જગદીશ બથવાર હોદ્દાથી ભલે નાના હોય પણ એમના હૃદયની વિશાળતાએ પ્રેરણાદાયી કામ કરી તેમની કર્મનિષ્ઠાનો પરિચય આપ્યો છે. અમરેલી જિલ્લા પોલીસ કચેરી ખાતે પટ્ટાવાળાની ફરજ બજાવતા જગદીશ બથવાર છેલ્લા 22 વર્ષથી નિઃસ્વાર્થભાવે પક્ષીઓ પ્રત્યેની સેવા અદા કરી અન્યને પણ પ્રેરણા આપી રહ્યા છે. પોતાની અનોખી સેવા થકી ‘રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો’ પંક્તિને અમરેલીના જગદીશ બથવારે સાર્થક કરી છે.
અબોલ પંખીઓ નિશ્ચિંત થઈ પાણી પી શકે તે માટે કચેરીમાં વૃક્ષો છે અને તેની બાજુમાં જે જગ્યા ખાલી છે ત્યાં પાણીના કુંડા અચૂક અને નિયમિત રીતે ભરીને મૂકે છે જગદીશ બથવાર. પક્ષીઓ માટેનું તેમનું આ સેવાકીય કાર્ય કરવા કોઈપણ ઋતુ કે સ્થિતિ હોય અટક્યું નથી. આથી આ કર્મચારી સેવાના ખરા ભેખધારી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને જળ અને ચણની સેવા તેમના કારણે મળી રહે છે. તે કોઈપણ સંજોગ કે સ્થિતિ હોય પક્ષીઓના ચણ અને પાણીની સેવા ચૂકતા નથી. તેમણે પોતાની સરકારી ફરજની શરૂઆત વર્ષ ૧૯૮૭માં સુરેન્દ્રનગર ખાતેથી કરી હતી ત્યારબાદ તેમની બદલી રાજકોટ અને અમરેલી મુકામે થઇ હતી.
તેઓ વર્ષ-૧૯૯૬થી અમરેલીમાં ફરજ બજાવે છે. એવું કહેવાય છે કે, સેવા કરતા વ્યક્તિને સેવા કરવા માટે પ્રેરક બળ પણ કોઇને કોઇ રીતે મળતું હોય છે. આ વાત જગદીશભાઈના કિસ્સામાં પણ સાચી નિવડી છે. તેમના નિત્યક્રમ મુજબ સવારે તે મોર્નિંગ વૉક કરવા માટે ઠેબી ડેમ વિસ્તારમાં જાય છે. એ સમયે સેવાભાવી વ્યક્તિઓ ત્યાં પક્ષીઓને ચણ નાખતા હતા. એમનાથી પ્રેરાઈને જગદીશભાઈએ એમની સાથે પક્ષીઓને ચણ નાંખવાની શરુઆત કરી હતી. ત્યારબાદ આ ગ્રુપના એક સરકારી સેવક અનિલભાઈની અમદાવાદ ખાતે બદલી થઈ જતા જગદીશભાઈએ આ સેવાકાર્ય સંભાળી લીધુ.
દરેક સેવા કાર્ય માટે અનુદાન આવશ્યક હોય છે. આ સેવા કાર્ય કરવા માટે પણ ચણ માટે અનુદાન અને ચણ દાન જરુરી છે. પક્ષીઓના ચણનો ખર્ચ જગદીશભાઈને સેવાભાવી સંસ્થાઓ તરફથી મળી રહે છે. જો ક્યારેક ચણ માટે અનુદાન કે ચણ ન પણ મળે તો તે સ્વખર્ચે ચણ લાવી અને પક્ષીઓને ચણ નાંખે છે. તેઓ કચેરી સિવાયના સમયે રોજ સવારે ઠેબી ડેમ વિસ્તારમાં પણ ચણ નાખવા માટે જાય છે.
સેવાના ભેખધારી જગદીશભાઈ માને છે કે, સૌ કોઈએ અબોલ પક્ષીઓ પ્રત્યે અનુકંપા રાખવી જોઈએ. મારા આ કાર્યમાંથી લોકોને પ્રેરણા મળે એ જ મારો ઉદ્દેશ્ય છે. અમે રોજનું ૧૫થી૨૦ કિગ્રા ચણ પક્ષીઓને નાંખીએ છીએ, જેમાં જિલ્લા પોલીસ કચેરીએ આશરો લેતા પક્ષીઓ માટે રોજનું ૩થી૪ કિગ્રા અને બાકીનું ઠેબી ડેમ વિસ્તારમાં આવતા પક્ષીઓ માટે અનામત છે. આમ, મહિનાનું ૬૦૦ કિલોગ્રામ જેટલું અને વાર્ષિક ૭ હજાર કિલોગ્રામથી વધુ ચણ પક્ષીઓને નાંખવામાં આવે છે.