હેલ્થ

માનવ શરીર માટે ગ્લુકોઝની મહત્તા અને ફાયદા વિશે જાણી લો

Text To Speech

ગ્લુકોઝ એ તમામ જીવો માટે ઊર્જાનો સાર્વત્રિક સ્રોત છે અને આપણા શરીરને એરોબિક અને એનેરોબિક બંને સેલ્યુલર શ્વસન સક્ષમ રીતે કરવા તેની જરૂર પડે છે. તેની કેમિકલ ફોર્મ્યુલા સી6એચ1206 છે જેમાં 6 કાર્બન સ્ટ્રકચર છે. ગ્લુકોઝનું સૌથી મહત્વનું કામ છે બ્લડમાં સુગરના સ્તરને જાળવી રાખવાનું જેથી શરીરને સમગ્ર દિવસ દરમ્યાન જોઈતી ઊર્જા મળતી રહે. આપણું દરેક ભોજન નક્કી કરે છે કે આપણું શરીર દૈનિક ધોરણે કેવી રીતે ગ્લુકોઝનું ઉત્પાદન કરશે અને તેનો કેવો વપરાશ કરશે.ગ્લુકોઝ શરીરમાં ત્રણ રૂપમાં પ્રવેશ કરે છે-ગેલેક્ટોઝ અને ફ્રુકટોઝ (મોનોસેકેરાઈડ્સ), લેકટોઝ અને સુક્રોઝ (ડિસકેરાઈડ્સ) અને સ્ટાર્ચ (પોલીસેકેરાઈડ્સ). વધુ પ્રમાણમાં ગ્લુકોઝ શરીરમાં ગ્લાયકોજીનના રૂપમાં સચવાય છે જે ઉપવાસ દરમ્યાન મુક્ત થાય છે. ચરબી અને પ્રોટીનના વિભાજનની પ્રક્રિયા જેને ગ્લુકોનીયોજેનેસીસ તરીકે ઓળખાવાય છે, તેના દ્વારા પણ બ્લડમાં ગ્લુકોઝ બને છે.

ગ્લુકોઝ એકંદર સ્વાસ્થ્ય જાળવે છે : શરીરનું એકંદર સ્વાસ્થ્ય જાળવી રાખવા ગ્લુકોઝ અને ગ્લાયકોજેન અનેક રીતે મહત્વના છે. તે ત્વચા, હાડકા, માંસ અને પેશીઓના વિકાસ માટે તેમજ શરીરમાં ચેતા કોષોની કામગીરી અને જાળવણી માટે અને હૃદયના ધબકારા તેમજ શ્વસનક્રિયા જેવી શારીરિક પ્રક્રિયા માટે પણ એટલા જ જરૂરી છે. જો કે ડાયાબીટીસના દરદીઓએ કોઈપણ કોમ્પ્લીકેશનથી બચવા તેમના ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. ખોરાક અને નિયમિત વ્યાયામથી સંતુલિત ગ્લુકોઝ સ્તર જાળવી રાખી શકાય છે.

મગજ માટે ઉત્તમ : સસ્તન પ્રાણીમાં ગ્લુકોઝ મગજ માટે ઊર્જાનો મુખ્ય સ્રોત છે. એક સ્વસ્થ માનવીના મગજને વધુ ઊર્જાની જરૂર પડે છે જેના કારણે તેને લોહીમાંથી ગ્લુકોઝની સતત જરૂર પડે છે. ગ્લુકોઝ મેટાબોલીઝમ એટીપીના ઉત્પાદન દ્વારા મગજની કામગીરીને પોષે છે જે ન્યુરોનલ અને નોન-ન્યુરોનલ કોષોની જાળવણી તેમજ ન્યુરોટ્રાન્સમીટર્સના ઉત્પાદન માટે પાયાનું કામ કરે છે.

ગ્લુકોઝનું પ્રોસેસીંગ : પેશીઓ અને શારીરિક પ્રવાહીમાં ગ્લુકોઝની સાંદ્રતા (કોન્સનટ્રેશન) ઘણા પ્રકારે સ્થિર થાય છે અને મોટાભાગમાં વિશિષ્ટ હોરમોન્સની ક્રિયા સામેલ હોય છે. શરીરમાં ગ્લુકોઝનું પ્રોસેસીંગ દિવસમાં અનેક વાર થાય છે. જ્યારે શરીરમાં ખોરાક પ્રવેશે છે ત્યારે પેટમાં રહેલા એસિડ તેનું વિભાજન કરે છે અને સુગરમાં રૂપાંતર કરે છે અને ખોરાકમાં રહેલું સ્ટાર્ચ ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે જેને આપણે બ્લડ સુગર તરીકે ઓળખીએ છીએ.આ ગ્લુકોઝ પછી આંતરડા દ્વારા ગ્રહણ થાય છે અને લોહીના પ્રવાહમાં ભળે છે. ગ્લુકોઝ લોહીમાં દાખલ થતાં જ તેને કોષમાં ટ્રાન્સફર કરવા સ્વાદુપિંડ દ્વારા ઉત્પન્ન થતું ઈન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય છે. તેનાથી શરીર ઊર્જા માટે ગ્લુકોઝનો તાત્કાલિક ઉપયોગ કરી શકે છે અથવા ભવિષ્યમાં વપરાશ માટે તેનો ગ્લાયકોજીનમાંના રૂપમાં સંગ્રહ થાય છે. જ્યારે શરીરમાં ગ્લુકોઝને પ્રોસેસ કરવા અને નિયંત્રિત કરવા સ્વાદુપિંડ પૂરતા પ્રમાણમાં ઈન્સ્યુલિન ઉત્પન્ન નથી કરતું ત્યારે ડાયાબીટીસ થઈ શકે છે. ડાયાબીટીસનું બીજુ કારણ છે જ્યારે લિવર શરીરમાં ઈન્સ્યુલીનને ઓળખવામાં નિષ્ફળ જાય છે અને સંગ્રહિત ગ્લુકોઝ અથવા ગ્લાયકોજીનને ઉત્પન્ન કરવાનું ચાલુ જ રાખે છે. ઈન્સ્યુલિનની ગેરહાજરીમાં સંગ્રહિત ચરબીમાંથી ફેટી એસિડ મુક્ત થાય છે જેના કારણે કેટોએસિડોસિસ તરીકે ઓળખાતી સ્થિતિ સર્જાય છે. ચરબીના વિભાજન દ્વારા કેટોન્સ ઉત્પન્ન થાય છે જેનું વધુ પ્રમાણ ઝેરી સાબિત થઈ શકે છે.

ગ્લુકોઝ સ્નાયુઓની શક્તિ જાળવે છે : શરીરના કુલ વજનમાં સ્કેલેટલ સ્નાયુઓનો કુલ હિસ્સો 30થી 40 ટકા છે અને તેમાં ગ્લાયકોજીનના રૂપમાં ગ્લુકોઝનો સંગ્રહ થાય છે. એક અભ્યાસ મુજબ શરીરમાં મોટાભાગના ગ્લાયકોજીનનો સંગ્રહ સ્કેલેટલ સ્નાયુઓમાં થાય છે જેનું શારીરિક ક્રિયાઓ દરમ્યાન તાત્કાલિક વિભાજન થાય છે. લાંબા સમય સુધીના વ્યાયામ દરમ્યાન સ્કેલેટલ સ્નાયુઓમાં ગ્લુકોઝનું સ્તર ઘટતા અચાનક નબળાઈ આવી શકે છે.

ગ્લુકોઝ તાત્કાલિક શક્તિ આપે છે : ગ્લુકોઝ સરળ સુગર છે જે લોહીમાં સહેલાઈથી ભળી જાય છે. બીજી તરફ અન્ય કાર્બોહાઈડ્રેટ્સનું પહેલા ગ્લુકોઝમાં રૂપાંતર થવું પડે છે અને પછી લોહીમાં ભળે છે. એના કારણે જ મધ, ફળોનો રસ જેવા પદાર્થ જે ગ્લુકોઝથી સમૃદ્ધ હોય છે તે આપણને તાત્કાલિક શક્તિ આપે છે.

ગ્લુકોઝ શરીરનું તાપમાન જાળવે છે : એક અભ્યાસ મુજબ ગ્લુકોઝ શરીરના તાપમાનને નિયંત્રિત કરતા જીન્સને સક્રિય કરે છે. ગ્લુકોઝના પ્રોસેસીંગ દરમ્યાન થતા ફેરફારને કારણે શરીરનું તાપમાન વધી શકે છે અને શરીર ગરમ થાય છે. ડાયાબીટીસ હોય અને ન હોય તેવા બંને કિસ્સામાં ગ્લુકોઝના પ્રોસેસીંગનું સમાન પરિણામ આવે છે.

Back to top button