જાણો ઉત્પન્ના એકાદશી પર બનતા શુભ યોગ અને મહત્વ વિશે !
બ્રહ્માંડના ત્રીદેવ માંથી ભગવાન વિષ્ણુની પ્રિય તિથિ એટલે એકાદશી. સામાન્યત: પ્રત્યેક માસમાં એકાદશી બે વાર આવતી હોય છે. દરેક એકાદશીનું એક આગવું મહત્વ હોય છે. કારતક મહિનાના વદ પક્ષની અગિયારસને ઉત્પન્ના એકાદશીના નામે ઓળખાય છે. આ વર્ષે ઉત્પન્ના એકાદશીનું વ્રત 20 નવેમ્બર 2022ના દિવસે કરવામાં આવશે. આ એકાદશીને ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. પદ્મ પુરાણ મુજબ, આ એકાદશીનું મહત્વ ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યું હતું. ઉત્પન્ના એકાદશી પર આ વર્ષે શુભ યોગ બની રહ્યા છે. તો આવો જાણીએ શું છે ઉત્પન્ના એકાદશી પરના શુભ યોગ અને શું છે પારણા કરવાનો સમય તેમજ વ્રત કરવાના નિયમો.
જાણો ઉત્પન્ના એકાદશી પરના શુભ યોગ
ઉત્પન્ના એકાદશી પર આ વર્ષે કુલ ચાર શુભ યોગ બની રહ્યા છે. જેમાં અમૃત સિદ્ધી યોગ, પ્રીતિ યોગ, સર્વાર્થ સિદ્ધિ અને આયુષ્યમાન જેવા શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે વ્રત કરનારને વ્રતનું બમણું ફળ પ્રાપ્ત થાય છે.
ઉત્પન્ના એકાદશીની શરૂઆત
19 નવેમ્બર 2022ની સવારે 10.29 મીનીટ થી 20 નવેમ્બર 2022ની સવારે 10.41 મીનીટે સમાપ્ત થશે.
વાત કરીએ ઉત્પન્ના એકાદશી પર બનતા શુભ યોગ
- અમૃત સિદ્ધી યોગ – 20 નવેમ્બર, સવારે 6.50 વાગ્યાથી 21 નવેમ્બર સવારે 12.36 સુધી
- પ્રીતિ યોગ 20 નવેમ્બર, સવારે 12.26 થી 11.4 વાગ્યા સુધી
- સર્વાર્થ સિદ્ધિ 20 નવેમ્બર સવારે 6.50 થી 21 નવેમ્બર રાત્રે 9.07 સુધી
- આયુષ્યમાન યોગ 20 નવેમ્બર રાત્રે 11.૦૪ થી 21 નવેમ્બર સવારે 9.07 સુધી
ઉત્પન્ના એકાદશીના પારણા
હિંદુ ધર્મ અનુસાર, એકાદશીનું એક આગવું મહત્વ છે. એકાદશી પર કરવામાં આવતા વ્રતના પારણા બારસની તિથિ પર સૂર્યોદય પછી અથવા બારશની તિથિ પૂરી થાય તે પહેલા કરવા જોઈએ. શાસ્ત્રો અનુસાર, બારશની તિથિ પર જો વ્રતના પારણા નથી કરવામાં આવતા તો તેને પાપ કર્યા સમાન ગણવામાં આવે છે. વ્રતના પારણા ભગવાન વિષ્ણુના પ્રસાદથી કરવામાં આવે તો આ વ્રતનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. ઉત્પન્ના એકાદશીના પારણાનો સમય 21 નવેમ્બર 2022ના રોજ સવારે 6.51 થી 9 વાગ્યા સુધી શુભ સમય છે.
આ પણ વાંચો : કેમ કાલ ભૈરવને ચઢવામાં આવે છે દારૂ !
ઉત્પન્ના એકાદશી વ્રતના નિયમો
એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિઓએ દશમની સાંજથી ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. પરંતુ તમે તમારી માન્યતા અનુસાર વ્રત કરી શકો છો. એકાદશીના વ્રત દરમિયાન ફળાહાર કરી શકાય છે અથવા તો નિર્જળા એકાદશી પણ કરવામાં આવે છે. આ વ્રત કરનાર વ્યક્તિઓને એકાદશીના દિવસે ચોખા ખાવા કે બનાવાનું પણ વર્જિત છે.