ભુજના રાજકીય આગેવાન અને ભાજપના નેતા તારાચંદ છેડાનું ગઈ કાલે સાંજે 71 વર્ષની વયે નિધન થયું છે. ભુજના રાજકીય આગેવાન તારાચંદ છેડાએ જૈન ધર્મ પ્રમાણે અનશન વ્રત ધારણ કરતા મોક્ષ માર્ગે પ્રયાણ કર્યું છે. તેઓ અબડાસા અને માંડવી બેઠક પરથી બે વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. તેમજ રાજ્ય મંત્રી પણ રહ્યા હતા. રાજકીય ક્ષેત્રે સક્રિય હોવા છતાં લોકો જેમને સામાજિક શ્રેઠી તરીકે ઓળખે એ મૂળ માંડવી તાલુકાના કાંડગરા ગામના અને હાલ ભુજના ભાનુશાલી નગર ખાતે રહેતા તારાચંદ જગશી છેડા આજીવન લોકોના દુઃખમાં સહાયકર્તા તરીકે આગળ રહ્યા હતા. જેમનું આજે ભૂજ ખાતે નિધન થતા કચ્છને એક ઝુઝારૂ નેતા ગુમાવવાથી ખોટ પડી છે.
સદગત સર્વ સેવા સંઘ કચ્છના નેજા હેઠળ સતત સેવાયજ્ઞ ચલાવતા રહ્યા, તારાચંદભાઈની એક માસ પૂર્વે તબિયત નાદુરસ્ત થતાં અમદાવાદ ખાતે ચાલી રહેલી સારવાર બાદ તેમણે જૈન ધર્મ અનુસાર અનશન વ્રતની ઈચ્છા પ્રગટ કરી હતી. અંતે તેમણે તેમના બહેન પાસે કરેલી વિન્નંતી પરિજનો દ્વારા સ્વીકારી ભુજ તેમના નિવાસસ્થાન ખાતે લઈ અવાયા છે. જ્યાં જિલ્લાના ઉચ્ચ પદાધિકારી, આગેવાનો, વ્યાપારીઓ વગેરે નામાંકિત લોકો તેમના ખબર અંતર જાણવા મુલાકાતે આવી પરિવારને હૂંફ આપી હતી. આ દરમિયાન આજે તેમનું નિધન થયું છે.
કચ્છ ભાજપનું લાંબા સમય સુધી નેતૃત્વ કરી પક્ષને મજબૂત બનાવનારા તારાચંદ છેડા રાજકીય કારકિર્દી કરતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના મદદગાર તરીકે વધુ જાણીતા હતા. તારાચંદ છેડા તેમના નિવસ્થાન ખાતે વેન્ટિલેટર પર હતા. જ્યાં તેઓએ અન્નજલનો સંપૂર્ણ ત્યાગ કરી મોક્ષ માર્ગે જવા અનશન વ્રત લીધું હતું. તેમના પુત્ર જીગર છેડા અને જયેશ છેડા તેમના નાના ભાઈ ગિરીશભાઈએ પણ તેમની ઈચ્છા અનુસાર જૈન ધર્મને અનુસરી આ વ્રત ધારણ કર્યું હોવાનું જણાવ્યું હતું.
આજે કાંડાગરામાં સવારે 9 વાગ્યે નીકળશે પાલખી યાત્રા
તારાચંદભાઈ છેડાની ભુજ ખાતે ચીર વિદાય થયા બાદ તેમની ઈચ્છા મુજબ આજે તેમના જન્મ સ્થળ મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે સવારે 9.00 વાગ્યે પરિવાર અને સમાજ તેમજ રાજકીય લોકોની હાજરીમાં અંતિમ યાત્રા નીકળશે. વહેલી સવારે ભુજથી જૈન સમાજના લોકો અને પરિવાર સાથે કાંડાગરા પ્રસ્થાન નીકળશે, ત્યાં તેમના નિવાસ સ્થાનેથી પાલખી યાત્રા નીકળશે જે પાંજરાપોળ પહોંચશે. ત્યાં તેમણે અંતિમ સંસ્કાર આપવામાં આવશે