જજ બદરુદ્દીન સામે વકીલોએ માંડ્યો મોરચો, કરી માફીની માગણીઃ જાણો શું થયું?


નવી દિલ્હી, તા.7 માર્ચ, 2025: કેરળ હાઈ કોર્ટમાં એક વિચિત્ર ઘટના બની હતી. વકીલોએ જજ બદરૂદ્દીન સામે મોરચો માંડીને માફીની માંગ કરી હતી. વકીલોએ તેમના સાથી વકીલ સાથે અપમાજનક વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો.
શું છે મામલો
જજ બદરુદ્દીને દિવંગત વકીલ એલેક્સ સ્કારિયાની પત્ની અને મહિલા વકીલ સાથે અપમાનજનક વાત કરી હતી. આ વાતને લઈ વકીલો નારાજ થયા હતા અને જજનો ઘેરાવ કરવા કોર્ટમાં એકત્ર થયા હતા. પરંતુ તેઓ આવ્યા જ નહોતા. મહિલા વકીલે તેના પતિના નિધનના થોડા દિવસ બાદ જજ બદરુદ્દીનને વસિયતનામું બદલવા માટે થોડો સમય આપવાની વિનંતી કરી હતી. તે સમયે જજે અસભ્ય વ્યવહાર અને આકરી ટિપ્પણી કરીને એલેક્સ સ્કારિયા કોણ છે તેમ પૂછ્યું હતું.
જજના આ વ્યવહારથી નારાજ વરિષ્ઠ વકીલ જોર્જ પુનથોટ્ટમ અને હાઈ કોર્ટમાં વકીલાત કરતા અન્ય વકીલોએ કેરળ હાઈ કોર્ટ સંઘની તાત્કાલિક સામન્ય સભા બોલાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બેઠકમાં જજ બદરુદ્દીને અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો ઠરાવ પાસ કર્યો હતો અને એક દિવંગતનું પણ અપમાન કર્યું હોવાનું જણાવી માફી માંગવા કહ્યું હતું.
વકીલોએ દલીલ કરી કે આ પ્રકારનું આચરણ કોઈ પણ બેંચ માટે અયોગ્ય છે. તેમજ દિવંગત સ્કારિયા માટે પણ અનાદર છે. આ માટે જ બદરુદ્દીને માફી માંગવી જોઈએ. આ પ્રસ્તાવ મુજબ વકીલો કોર્ટમાં એકત્ર થયા હતા પરંતુ જજ આવ્યા જ નહોતા. હાઈ કોર્ટ રજિસ્ટ્રી તરફથી જણાવવામાં આવ્યુંહતું કે જજ બેંચમાં નહીં બેસે. બાદમાં એક પ્રસ્તાવ આવ્યો કે જજ બદરુદ્દીન કોર્ટમાં નહીં પરંતુ તેમની ચેમ્બરમાં માફી માંગવા તૈયાર થઈ ગયા છે. પરંતુ વકીલોએ તેમની ચેમ્બરમાં માફી માંગવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
આ પણ વાંચોઃ દુષ્કર્મના આરોપી પાદરીની ધરપકડ કરવા મહિલાપંચનો આદેશઃ મહિલાને સુરક્ષા આપવા પણ માંગ