સુરતમાં નંબર વગરની કારનો વીડિયો લેતા વકીલ મેહુલ બોઘરાને પોલીસે ફટકાર્યા
સુરત, 26 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ કડક થઈને લોકોને જાગૃત કરી રહી છે. બીજી બાજુ પોલીસ પોતે જ નિયમોનું પાલન ના કરે તે ગંભીર બાબત છે. ત્યારે સુરતમાં નંબર વિનાની બ્લેક ફિલ્મવાળી કાર પાર્ક કરેલી હતી જેમાં એક પોલીસ કર્મી પણ બેઠેલો હતો. જેથી સુરતના વકીલ મેહૂલ બોઘરાએ તેનું વીડિયો શૂટિંગ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે આ પોલીસ કર્મીએ મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ પોલીસ કર્મીએ વકીલને તમાચો મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલમાં બંને તરફથી ક્રોસ ફરિયાદ કરવામાં આવી છે.
પોલીસ કર્મીએ વકીલને તમાચો ઠોક્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં પર્વત પાટિયા બીઆરટીએસ પાસે રવિવારે સવારે એક બ્લેક ફિલ્મવાળી નંબર વગરની સ્વિફટ કાર પાર્ક કરેલી હતી અને અંદર પોલીસકર્મી બેઠેલો હતો. જેથી વકીલ મેહુલ બોઘરા તેનો વીડિયો ઉતારી કારમાં બેઠેલા પોલીસકર્મીને બહાર આવવા કહી રહ્યા હતા, જેને લઈ પોલીસકર્મી વાલજી હડિયાએ બહાર આવી શૂંટિગ ન કરવા કહ્યું હતું છતાં મેહુલે શૂટિંગ ચાલુ રાખતા વાલજીએ મોબાઇલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. વાલજીએ મેહુલને તમાચો ઠોકી પથ્થર મારી દેતાં માથામાં ઈજા થઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઘટના જોઈ લોકોના ટોળા એકત્ર થયા હતા.
વકીલ મેહૂલ બોઘરા સહિત 15ના ટોળા સામે દાખલ
પોલીસકર્મી વાલજી હડિયાએએ ફરિયાદમાં જણાવ્યું કે વકીલે ઉપલા અધિકારીને જાણ કરવાને બદલે મંજૂરી વગર મોબાઇલમાં શૂટીગ કરી હાજર પોલીસકર્મીને અશબ્દો બોલી ટોળાને ઉશ્કેર્યું હતું. સરકારી કામમાં રૂકાવટ કરી પથ્થરમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેણે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ કર્યા હતા. બીજી તરફ પોલીસે મેહૂલ બોગરાની ફરિયાદ પણ લીધી હતી. જેમાં IPC 114, 120 (બી), 143, 294 (બી), 279 (બી), 204, 323, 324, 504, 506 અને GP એક્ટ 135 મુજબ કારના ચાલક સહિત 3 જણા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસકર્મી ભલા દેસાઈની ફરિયાદના આધારે પોલીસે IPC 143, 147, 149, 323, 186, 332, 500, 504, 506(2) અને GP એક્ટ 135 મુજબ બોઘરા સહિત 15ના ટોળા સામે દાખલ કર્યો છે.
આ પણ વાંચોઃખેડામાં દારૂની મહેફિલ બાદ મારામારીઃ ત્રણ પોલીસ કર્મીઓનો વીડિયો વાયરલ