યૂનિફોર્મ સિવિલ કોડ પર કાયદા પંચને મળી 46 લાખ પ્રતિક્રિયાઓ
નવી દિલ્હી: ભારતના કાયદા પંચને છેલ્લા ચાર અઠવાડિયામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર લગભગ 46 લાખ પ્રતિક્રિયાઓ મળી છે. આ અંગે જવાબ આપવાની અંતિમ તારીખમાં હજુ બે દિવસ બાકી છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, 22મા કાયદા પંચે 14 જૂને UCC પર ફરીથી લોકોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું. સોમવારે સાંજ સુધીમાં કાયદા પંચને 46 લાખ પ્રતિસાદ મળ્યા છે.
લોકો આ મુદ્દા પર તેમના સૂચનો અથવા પ્રતિક્રિયાઓ ગુરુવાર એટલે કે 13મી જુલાઈ સુધી કાયદા પંચને જણાવી શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે કાયદા પંચ આગામી સમયમાં આ મુદ્દે કેટલાક સંગઠનો અને લોકો સાથે તેમના મંતવ્યો જાણવા માટે મુલાકાત કરશે. 21મા કાયદા પંચે પણ આ રાજકીય રીતે સંવેદનશીલ મુદ્દા પર વિચાર કર્યો હતો.
ઓગસ્ટ 2018માં કમિશને ‘ફૅમિલી લૉના રિફોર્મ્સ’ નામનું કન્સલ્ટેશન પેપર પણ બહાર પાડ્યું હતું. કાયદા પંચે જો કે યુનિફોર્મ સિવિલ કોડ પર ચર્ચા ફરી શરૂ કરવાના તેના નિર્ણયનો બચાવ કર્યો છે.
શું છે યૂનિફોર્મ સિવિલ કોડ?
સમાન નાગરિક સંહિતા સમગ્ર દેશ માટે એક કાયદો સુનિશ્ચિત કરશે, જે તમામ ધાર્મિક અને આદિવાસી સમુદાયોને તેમની વ્યક્તિગત બાબતો જેમ કે મિલકત, લગ્ન, વારસો અને દત્તક વગેરેમાં લાગુ પડશે. આનો અર્થ એ થયો કે ધર્મ પર આધારિત હાલના અંગત કાયદાઓ, જેમ કે હિંદુ મેરેજ એક્ટ (1955), હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ (1956) અને મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટ (1937) લાગુ રહેશે નહીં.
શું છે કલમ 44?
ભારતીય બંધારણના અનુચ્છેદ 44 મુજબ, ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકોને એક સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે. એટલે કે, બંધારણ સરકારને નિર્દેશ કરી રહ્યું છે કે તે તમામ સમુદાયોને એવી બાબતો પર એકસાથે લાવવા જે હાલમાં તેમના સંબંધિત અંગત કાયદાઓ દ્વારા સંચાલિત છે. ઉદાહરણ તરીકે કલમ 47 રાજ્યને નશાકારક પીણાં અને આરોગ્ય માટે હાનિકારક દવાઓના વપરાશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપે છે. જોકે, દેશના મોટાભાગના રાજ્યોમાં દારૂ વેચાય છે.
આ પણ વાંચો- બેંગ્લોરમાં ખાનગી કંપનીના CEO અને MDનું મર્ડર; તલવાર લઇને ઓફિસમાં ઘૂસ્યો હુમલાખોર