બનાસકાંઠામાં મુખ્યમંત્રીના હસ્તે રૂ.૬૩૩ કરોડના ખર્ચે નિર્મિત જુથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ
- ભુપેન્દ્રભાઈ પટેલે આખોલ ખાતે પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું
- યોજનાથી ૧૯૨ ગામના કુલ ૭ લાખ નાગરિકોને દૈનિક ૬.૪૦ કરોડ લીટર પીવાનું પાણી મળશે
પાલનપુર, 27 સપ્ટેમ્બર : સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ રૂપિયા ૬૩૩ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીસા અને લાખણી તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું આજરોજ ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયુ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમગ્ર યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના ડીસા, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દ્વારા દેવપુરા-વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ ૨૦૨૦માં તૈયાર કરવામાં આવી હતી. જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ યોજનાથી ડીસા, લાખણી, કાંકરેજ, દિયોદર અને થરાના કુલ ૧૯૨ ગામના કુલ ૭ લાખ નાગરિકો માટે દૈનિક ૬.૪૦ કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે. આ લોકાર્પણ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.