ગુજરાતની પહેલી સિનેમેટિક ટુરિઝમ પોલિસીનું મુખ્યમંત્રી દ્વારા લોન્ચિંગ
ગુજરાતની સૌપ્રથમ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી’નું લોન્ચિંગ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અભિનેતા અજય દેવગણ, રાજ્ય સરકારના મંત્રી પુર્ણેશ મોદી અને અરવિંદ રૈયાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યું હતું. મુખ્યમંત્રીએ આ સિનેમેટીક ટુરીઝમ પોલિસી ગુજરાતમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ક્હ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને ગુજરાત એમના જ માર્ગદર્શનમાં દેશનું વિકાસ મોડલ બન્યું છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે અને વિશ્વના રોકાણકારો માટે પસંદગીનું પ્રથમ સ્થાન બની ગયું છે. આત્મનિર્ભર ગુજરાતના નિર્માણથી આત્મનિર્ભર ભારત માટે આ પોલિસી ઉપયુક્ત બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ પોલીસી ફિલ્મ મેકીંગ ક્ષેત્રના સર્વિસ પ્રોવાઇડર્સને એક મંચ પર લાવી પ્રવાસન વિકાસને પણ અપ્રતિમ વેગ આપશે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે આ નવી પોલિસી ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટે સક્ષમ તકો ઉભી કરશે તેમજ સ્થાનિક લોકોને રોજગારીના અવસર પણ આપશે.
હું ગુજરાત સાથે વર્ષોથી જોડાયેલો છું : અજય દેવગણ
આ તકે પ્રસિદ્ધ અભિનેતા અજય દેવગણે ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે, આ સીનેમેટિક ટુરિઝમ પોલિસીના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો આનંદ છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે સિનેમેટિક ટુરિઝમ પોલિસી જાહેર કરી તેની મને ખુશી છે. ગુજરાત સાથેના અનુભવો અંગે અજય દેવગણે જણાવ્યું હતું કે, અહીંની સંસ્કૃતિ, વિસ્તારો અને વિવિધ ગુજરાતી વાનગીઓ મને આકર્ષે છે. અહીંના લોકોનો પ્રેમ પણ ખૂબ સારો મળ્યો છે. હું ગુજરાત સાથે વર્ષોથી જોડાયેલો છું. આ પોલિસીના માધ્યમથી ફિલ્મ જગતને સારો સહકાર મળી રહેશે.
સિનેમેટિક ટુરિઝમ પોલિસી ગુજરાતના પર્યટનને આગળ વધારવામાં ખૂબ મહત્વ
આ પ્રસંગે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ એ ગુજરાતમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ સિનેમેટિક ટુરિઝમ પોલિસી ગુજરાતના પર્યટનને આગળ વધારવામાં ખૂબ મહત્વની બની રહેશે. તથા આ પોલિસીથી ગુજરાતમાં રોજગારી ઉતપન્ન થશે. ગુજરાત આગામી દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
પોલિસી થકી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાતમાં શૂટિંગની તકો વધશે
ટુરિઝમ વિભાગના સચિવ હારીત શુક્લાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સિનેમાના પડદે દર્શાવતું સ્થળ લોકોને યાદ રહી જાય છે અને બાદમાં તે ટુરિઝમ સ્પોટ બની જાય છે. દેશ-વિદેશના આવા અનેક સ્થળોનો પરિચય આપણને મુવીમાંથી મળે છે. ગુજરાતમાં કચ્છનું સફેદ રણ, શિવરાજપુર બીચ જેવા અનેક સ્થળો છે જ્યાં શૂટિંગ સ્પોટ બની શકે તેવી વ્યાપક તકો છે. તેમણે સિનેમેટિક ટુરિઝમ પોલિસી થકી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાતમાં શૂટિંગની તકો વધશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
પ્રવાસન વિભાગ સાથે કેટલાક રોકાણકારો દ્વારા રૂ.૧૦૨૨ કરોડના ચાર એમ.ઓ.યુ.
આ પોલિસી લોન્ચિંગ સાથે મુખ્યમંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટીંગ સ્કૂલ સહિતના વિવિધ વિષયોમાં રોકાણો માટેના કુલ રૂ.૧૦૨૨ કરોડના ચાર એમ.ઓ.યુ. પ્રવાસન વિભાગ સાથે કેટલાક રોકાણકારો દ્વારા કરવામાં આવ્યા હતા. અભિનેતા અજય દેવગણે પણ રાજ્યમાં ફિલ્મ મેકીંગ અને સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમ.ઓ.યુ. કર્યા હતા. આ અવસરે સિનેમેટિક ટુરિઝમ પોલિસીની જાણકારી આપતી શોર્ટફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. ટુરિઝમ વિભાગના કમિશનર અને MD આલોકકુમાર પાંડેએ ઉપસ્થિત મહાનુભાવો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોનો કાર્યક્રમમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.