ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતબિઝનેસ

સુરત રિજીયનના ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ

  • કેન્દ્ર સરકાર દ્વારા સુરત અને આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓને ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવવાનું આગવું આયોજન
  • ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો માટે પણ ભવિષ્યલક્ષી માસ્ટર પ્લાન બનાવવાનો નિર્ધાર
  • સુરતના વેપારીઓ, ઉદ્યોગકારોની ક્ષમતાને જાણી પિછાણી કેન્દ્ર સરકારે ઈકોનોમિક માસ્ટર પ્લાનમાં સમાવેશ કરી સુરત પર પૂરો વિશ્વાસ મૂક્યો છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
  • નીતિ આયોગના નેજા હેઠળ સુરતે દેશનો સૌપ્રથમ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો

સુરત, 19 સપ્ટેમ્બર, 2024: સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ એમ ૬ જિલ્લાના બનેલા ‘સુરત ઈકોનોમિક રિજીયન’ના મહત્વાકાંક્ષી ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન‘નું સુરતથી લોન્ચિંગ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભાવિ વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પણ રાજ્યના છ જિલ્લાઓના ઈકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે. જેમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, આઇ.ટી., લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર થઈ છે.

સુરત ઈકોનોમિક રિજન - HDNews
સુરત ઈકોનોમિક રિજન – ફોટોઃ માહિતી ખાતું

સુરતના ડુમસ રોડની લી મેરેડિયન હોટેલ ખાતે આયોજિત સમારોહમાં વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદ્દો, હીરા-ટેક્ષટાઈલ, ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ, જેમ્સ એન્ડ જ્વેલરી, હેલ્થ, હોટેલ એસો., સહકારી ક્ષેત્ર, સુગર મિલો, એપીએમસી, ફુડ પ્રોસેસિંગ, એકવા ફાર્મિંગ, GIDC ના પ્રમુખો, ક્રેડાઈ, સી.એ., સોલાર એનર્જી જેવા વિવિધ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી અને મહાનુભાવોએ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું અનાવરણ કર્યું હતું.

સુરત પરિક્ષેત્રનો તેજ અને સસ્ટેનેબલ વિકાસ કરવો એ કેન્દ્ર સરકારની નેમ છે, જેને પૂરી કરવા ગુજરાત સજ્જ છે, ત્યારે ગુજરાતના વિકાસ મોડેલને આ પહેલ નવી ઊર્જા પૂરી પાડશે, બુસ્ટ આપશે એમ જણાવતાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વિકસિત ભારત @ 2047 હેઠળ સરકારે ગુજરાતનું અર્થતંત્ર ૨૦૪૭ સુધીમાં ૩.૫ ટ્રિલીયન ડૉલર બનાવવાનું અને ૩૪ લાખ જેટલી નવી રોજગારની તકોનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, જ્યારે ગુજરાતનું ગ્રોથ એન્જિન સુરત છે. સુરતે રાજ્યની આર્થિક ગતિવિધિઓના કેન્દ્ર તરીકે આગવી ઓળખ મેળવી છે.

નીતિ આયોગના નેજા હેઠળ સુરતે દેશનો સૌપ્રથમ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો છે, ત્યારે આ પ્લાન ‘વિકસિત ગુજરાત થી વિકસિત ભારત’નો લક્ષ્યાંક સિદ્ધ કરશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

સુરત ઈકોનોમિક રિજન - HDNews
સુરત ઈકોનોમિક રિજન – ફોટોઃ માહિતી ખાતું

સુરત રિજીયનના સર્વાંગીણ વિકાસમાં સુરત શહેરનો અમૂલ્ય ફાળો રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે, ભારત સરકારે સુરત ઉપર મૂકેલા વિશ્વાસ બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. એક ચબરખી ઉપર લાખો- કરોડોનો વેપાર બિઝનેસ કરતા સુરતના વેપારીઓ, ઉદ્યોગકારોની ક્ષમતાને જાણી પિછાણી ભારત સરકારે ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરી, સુરતના લોકોમાં ભરપૂર વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે નીતિ આયોગના આ માસ્ટર પ્લાનના અમલીકરણ થકી સુરત રિજીયન, દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બની રહેશે તેમ સી.આર. પાટીલે પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું.

ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન વિષે વિસ્તૃત વિગતો આપતા નીતિ આયોગના સી.ઈ.ઓ.બી.વી.આર. સુબ્રમણ્યમે જણાવ્યું કે, સુરત અને આસપાસના પાંચ જિલ્લાઓમાં આર્થિક વિકાસની આગવી તકો રહેલી છે. સુરત આર્થિક ક્ષેત્ર પાસે સમતોલ વિકાસની પૂર્ણ ક્ષમતા અને લાયકાત છે. નીતિ આયોગ દ્વારા ગુજરાત સરકાર, સુરત સ્થાનિક પ્રશાસન સાથે મળીને ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં કેટલાક દિવસો નહીં, પરંતુ સતત એક વર્ષની મહેનત અને મંથન કરાયું છે.

સુરત ઈકોનોમિક રિજન - HDNews
સુરત ઈકોનોમિક રિજન – ફોટોઃ માહિતી ખાતું

નોંધનીય છે કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને “ગ્રોથ હબ્સ” તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના સુરત, વારાણસી, મુંબઈ અને વાયઝાગ(આંધ્રપ્રદેશ) એમ ચાર શહેરો અને તેની નજીકના વિસ્તારોને “ગ્રોથ હબ્સ” તરીકે વિકસાવવામાં આવશે. જેમાં એક ‘ગ્રોથ હબ’ તરીકે સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે નાણા-ઊર્જા મંત્રીકનુભાઈ દેસાઈ, ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત, વન પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદો મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, મનસુખભાઇ વસાવા, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, મુખ્યમંત્રીના પ્રિન્સીપલ એડવાઈઝર ડો. હસમુખ અઢિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિની પટેલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટરડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, સુરત સહિત દ. ગુજરાતના ધારાસભ્યો, સુરત રિજીયનના અન્ય પાંચ જિલ્લાઓના કલેકટર્સ, જિ. વિકાસ અધિકારીઓ, વિવિધ ઉદ્યોગ અને સહકારી અગ્રણીઓ, પદાધિકારી-અધિકારીઓ, નીતિ આયોગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મહિલા સુરક્ષા માટે સરકારની પહેલ, ઈમરજન્સી કોલ બોક્ષ મૂકાયા

Back to top button