લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ગૃહપ્રવેશ : ડીસામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો કાર્યક્રમ યોજાયો
- નગરપાલિકા પ્રમુખ સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા
પાલનપુર : ડીસામાં લાયન્સ હોલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ, ગૃહપ્રવેશ તથા ખાતમુહૂર્તનો લાઈવ કાર્યક્રમ તથા ચાવી વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ડીસા નગરપાલિકા પ્રમુખ સહિત તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1946 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા 7113 આવાસોનું લોકાર્પણ, 4331 આવાસોનું ખાતમુહૂર્ત અને 18,997 આવસોમાં લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. ડીસા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમને લાઇવ નિહાળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ડીસા નગરપાલિકા દ્વારા લાયન્સ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ગૃહપ્રવેશનો લાઈવ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કર, નગરસેવકો સહિત શહેરના અગ્રણીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગરીબો માટેની આ યોજનાના ખાસ કાર્યક્રમને નિહાળ્યો હતો. ડીસા શહેરમાં પણ ઘર વિહોણા લોકો માટે નહેરુનગર ટેકરા અને હરિઓમ સ્કૂલ પાછળ આવા આવાસોનું નિર્માણ કરાયું છે. જેમાં અનેક પરિવારો શાંતિથી રહે છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : લગ્નના માહોલ વચ્ચે ભેળસેળીયા વેપારીઓ પર તવાઈ, ડીસામાં ફૂડ વિભાગના તેલની દુકાનોમાં દરોડા