આણંદના બાકરોલ ખાતે રૂ.૧ કરોડના ખર્ચે નિર્મિત સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરીનું લોકાર્પણ
આણંદ, 30 જાન્યુઆરી : રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે સરકારી જિલ્લા પુસ્તકાલયમાં રૂ.૧ કરોડના ખર્ચે તમામ જરૂરી સુવિધાઓ સાથેની સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સરકારનો નવો પ્રોજેકટ
આ પ્રસંગે કલેકટરે જણાવ્યું હતું કે, જિલ્લાના સરકારી ગ્રંથાલય ખાતે અંદાજીત ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ વાંચવા-ભણવા અર્થે આવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયોને અદ્યતન કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તે અંતર્ગત આણંદના સરકારી પુસ્તકાલયમાં પણ આધુનિક સુવિધા સાથેની સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતુ જે વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુક્વામાં આવી છે જેનો તમામ વિદ્યાર્થીઓને સરળતાથી લાભ મળી રહેશે.
સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ છે લાયબ્રેરી
આણંદના બાકરોલ ખાતે આવેલ આ સરકારી જિલ્લા પુસ્તકાલયના ભવનમાં નવનિર્મિત સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરીમાં વાંચન અર્થે આવનાર તમામ વયજૂથના વાચકોને અનૂકુળ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. જેમાં મહિલા-પુરૂષ માટે અલગ-અલગ વાંચનરૂમની વ્યવસ્થા, નાના બાળકો માટે મનોરંજન સાથેના બાળરૂમની વ્યવસ્થા, હાઇ-સ્પીડ ઈન્ટરનેટ જોડાણના કોમ્પ્યુટર સાથેના સર્ફિંગ રૂમની સગવડ, વિવિધ ભાષા- સાહિત્યકારો- વિષયો સહિત દરેક વયજૂથના નાગરિકો માટે પુસ્તકોની સુદ્રઢ સુવિધા, પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટની વ્યવસ્થા, સ્ત્રીઓ, પુરૂષો અને દિવ્યાંગજનો માટે અલગ અલગ શૌચાલય વ્યવસ્થા, દિવ્યાંગજનોને પુસ્તકાલયમાં આવવા-જવા માટે રેમ્પ વ્યવસ્થા, વયોવૃદ્ધ માટે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ બેસીને ન્યુઝપેપર વાંચવાની સુવિધા સહિત વિદ્યાર્થીઓ માટે વર્તમાન પ્રવાહની માહિતી આપતી પાક્ષિક-માસિક પત્રિકાઓ સહિત પુસ્તકોની સગવડ ઉપલબ્ધ બનાવાઇ છે.