સ્વર્ગીય કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારને મરણોત્તર ‘કર્ણાટક રત્ન’ એનાયત
સાઉથ ફિલ્મોના એક સમયના સૌથી સફળ અભિનેતા સ્વર્ગીય કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારને મરણોત્તર કર્ણાટકનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘કર્ણાટક રત્ન’ એનાયત કરવામાં આવ્યો હતો. મંગળવારે આયોજિત 67માં કન્નડ રાજ્યોત્સવ (રાજ્ય સ્થાપના દિવસ) પ્રસંગે અભિનેતાનું સન્માન કરવામાં આવ્યું હતું. પુનીત આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર 9મો છે. રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ પુનીત રાજકુમારને આ કાર્યક્રમમાં કર્ણાટક રત્નથી સન્માનિત કર્યા હતા.
પુનીતના પિતાને પણ મળ્યો હતો કર્ણાટક રત્ન
કર્ણાટક રત્ન છેલ્લે વર્ષ 2009માં સામાજિક સેવા માટે ડૉ. વીરેન્દ્ર હેગડેને એનાયત કરવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, પુનીતના દિવંગત પિતા રાજકુમાર 1992માં જાણીતા કવિ કુવેમ્પુ સાથે કર્ણાટક રત્ન એવોર્ડ મેળવનાર સૌપ્રથમ છે. આ પુરસ્કાર નિજલિંગપ્પા (રાજકારણ), સીએનઆર રાવ (વિજ્ઞાન), ભીમસેન જોશી (સંગીત), શિવકુમાર સ્વામીજી (સમાજ સેવા), અને ડૉ જે જાવરે ગૌડા (શિક્ષણ અને સાહિત્ય)ને પણ પ્રાપ્ત થયો છે.
પુનીતે બાળ કલાકાર તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો
કન્નડ સિનેમાના સુપરસ્ટાર કહેવાતા અભિનેતા પુનીત રાજકુમારે માત્ર છ મહિનાની ઉંમરે સ્ક્રીન પર ડેબ્યૂ કર્યું હતું. અભિનેતાએ બાદમાં ફિલ્મ ‘બેટ્ટાડા હુવુ’ માટે બાળ કલાકાર તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. ત્યારબાદ તે વર્ષ 2002માં મુખ્ય અભિનેતા તરીકે ઉભરી આવ્યો અને તેણે 29 ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાંથી કેટલીક મોટી હિટ રહી. સિનેમાના આ ચમકતા સ્ટારનું 46 વર્ષની વયે 29 ઓક્ટોબર, 2021ના રોજ કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું.