ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર સમાપ્ત, શનિવારે સાતમા-છેલ્લા તબક્કાનું મતદાન

  • પહેલી જૂનને શનિવારે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન
  • 19 એપ્રિલે શરૂ થયેલી પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા એક જૂને પૂર્ણ થશે
  • ચાર જૂને તમામ લોકસભા ઉપરાંત ચાર રાજ્યની વિધાનસભાનાં પરિણામ જાહેર થશે

નવી દિલ્હી, 30 મે, 2024ઃ લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટેના પ્રચારનો આજે અંત આવ્યો છે. હવે શનિવારે પહેલી જૂને મતદાન થશે. અંતિમ તબક્કામાં સાત રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 57 બેઠકો માટે મતદાન થશે. ચૂંટણીના અત્યાર સુધીના છ તબક્કામાં માત્ર પશ્ચિમ બંગાળને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં લગભગ દરેક તબક્કામાં સામાન્ય અથડામણની ઘટનાઓ બની હતી, પરંતુ વિધાનસભા ચૂંટણી વખતે જે ખૂબ મોટા પ્રમાણમાં હિંસા થઈ હતી એવું આ વખતે જોવા મળ્યું નથી. તેનું કારણ કદાચ ચૂંટણીપંચે ઘણા પહેલાંથી લીધેલા સલામતીનાં પગલાં હોઈ શકે.

ભારતના ચૂંટણીપંચે માર્ચ મહિનામાં ચૂંટણીની જાહેરાત કરી હતી અને પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાયું હતું. ત્યારબાદ અનુક્રમે 26 એપ્રિલ, 07 મે, 13 મે, 20 મે, 25 મે એમ છ તબક્કામાં મતદાન થયું. ગુજરાતમાં સાતમી મેએ 25 લોકસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. આમ તો રાજ્યમાં લોકસભાની 26 બેઠક છે પરંતુ સુરતની બેઠક ઉપર કોંગ્રેસ સહિત તમામ અપક્ષોએ ઉમેદવારીપત્રો પરત ખેંચી લેતાં એકમાત્ર બાકી રહેલા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા જાહેર થયેલા છે.

આ છે એ સાત રાજ્ય-એક કેન્દ્ર શાસિત પ્રદેશ અને બેઠકોની સંખ્યાઃ
બિહાર – 8
ઝારખંડ – 4
કર્ણાટક – 3
ઓડિશા – 6
પંજાબ – 13
ઉત્તરપ્રદેશ – 13
પશ્ચિમ બંગાળ – 9
ચંડીગઢ – 1
અત્યાર સુધીમાં અગાઉના છ તબક્કામાં 486 બેઠકો માટે મતદાન થઈ ચૂક્યું છે અને ઉમેદવારોના ભાવિ નિર્ધારિત થઈ ચૂક્યા છે. આગામી શનિવારે છેલ્લા તબક્કામાં બાકીના 57 ઉમેદવારોનું ભાવિ નિશ્ચિત થશે. લોકસભાની 543 બેઠકો ઉપરાંત આ સાત તબક્કા દરમિયાન સિક્કિમ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશ – એમ ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ છે. જેનાં પરિણામ પણ ચોથી જૂને જ જાહેર થશે.

સાતમા તબક્કાની ચૂંટણીમાં કુલ 904 ઉમેદવાર મેદાનમાં છે. આ 904 ઉમેદવારોમાંથી 199 ઉમેદવારો વિરુદ્ધ ફોજદારી કેસ થયેલા છે. જોકે 151 ઉમેદવારો સામે તો ગંભીર ફોજદારી કેસ છે. ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા સોગંદનામા અનુસાર 13 ઉમેદવારોએ પોતાની સામે દોષિત ઠરાવેલા કેસો જાહેર કર્યા છે. ચાર ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ હત્યાના કેસ (IPC-302) જાહેર કર્યા છે. જ્યારે 27 ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ હત્યાના પ્રયાસના કેસ (IPC-307) જાહેર કર્યા છે. 13 ઉમેદવારો એવા છે જેમણે મહિલાઓ પર અત્યાચાર સંબંધિત કેસ જાહેર કર્યા છે. આ 13 ઉમેદવારોમાંથી બે ઉમેદવારો સામે બળાત્કાર સંબંધિત કેસ (IPC-376) નોંધાયેલા છે. આ સિવાય કુલ 25 ઉમેદવારો એવા છે જેમણે ભડકાઉ ભાષણ સંબંધિત કેસ જાહેર કર્યા છે.

તમામ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો 402 (44 ટકા) ઉમેદવારોએ 5 થી 12માં અભ્યાસ કર્યો છે. 430 (48 ટકા) ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત સ્નાતક અને તેથી વધુ જાહેર કરી છે. 20 ઉમેદવારો ડિપ્લોમા ધારક છે. 26 ઉમેદવારો સાક્ષર છે જ્યારે 24 ઉમેદવારો અભણ પણ છે. જો આપણે ઉમેદવારોની ઉંમરના આંકડાઓ પર નજર કરીએ તો 243 (27 ટકા) ઉમેદવારોની ઉંમર 25 થી 40 વર્ષની વચ્ચે છે. 481 (53 ટકા) ઉમેદવારોની ઉંમર 41 થી 60 વર્ષની વચ્ચે છે. 177 (20 ટકા) ઉમેદવારો 61 થી 80 વર્ષની વય જૂથના છે. ત્રણ ઉમેદવારોએ તેમની ઉંમર 80 વર્ષથી વધુ હોવાનું જાહેર કર્યું છે.

ચૂંટણીની જાહેરાતથી શરૂ કરીને લગભગ અઢી મહિના ચાલેલી આ પ્રક્રિયા આમ તો ચોથી જૂન બાદ પૂર્ણ થશે, પરંતુ જાહેર પ્રચારનો અંત આવતા તમામ રાજકીય પક્ષોના નેતાઓને રાહત થશે. આ અઢી મહિના દરમિયાન ભાજપ, કોંગ્રેસ, ટીએમસી, સપા, જેડીયુ સહિત મોટાભાગના પક્ષોના ટોચના નેતાઓએ તેમની પૂરી તાકાત પોતપોતાના પક્ષને જીતાડવાડવામાં લગાડી દીધી હતી. તેમની મહેનતનાં પરિણામની તો ચોથી જૂને ખબર પડશે.

આ પણ વાંચોઃ ચૂંટણી પરિણામ પહેલાં જાણો ગૂગલ ટ્રેન્ડઃ કૌન કિતને પાની મેં?

Back to top button