IPL-2024વિશેષસ્પોર્ટસ

ગઈકાલની મેચ દિનેશ કાર્તિકની છેલ્લી મેચ હતી – બ્રોડકાસ્ટરે આપી માહિતી

23 મે, મુંબઈ: ગઈકાલે અમદાવાદમાં રમાયેલી IPLની એલિમિનેટર મેચ એ RCBના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકની છેલ્લી મેચ હતી. ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને રાજસ્થાન રોયલ્સે 4 વિકેટે હરાવી દીધું હતું. આ મેચના અંત બાદ દિનેશ કાર્તિકને તેની ટીમના સભ્યોએ વિદાય આપી હતી જેણે એ તરફ ઈશારો કર્યો હતો કે હવે દિનેશ કાર્તિક IPLમાં રમતો જોવા નહીં મળે.

દિનેશ કાર્તિકે જોકે આ સિઝનની શરૂઆતમાં જ કહી દીધું હતું કે આ સિઝન તેની અંતિમ સિઝન હશે. જોકે દિનેશ કાર્તિકે ગઈકાલની મેચ પત્યા બાદ જાહેરમાં આ અંગે કશું કહ્યું ન હતું, પરંતુ IPLનું બ્રોડકાસ્ટર કરનાર બંને કંપનીઓએ પોતપોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આ બાબતે જાહેરાત કરી હતી.

IPL 2024ના ડિજીટલ બ્રોડકાસ્ટર જીયો સિનેમાએ એક X પર પોસ્ટ કરીને જાહેર કર્યું હતું કે ગઈકાલની મેચ દિનેશ કાર્તિકની છેલ્લી મેચ હતી. જીયો સિનેમાએ દિનેશ કાર્તિકને યોગ્ય વિદાયમાન પણ આપ્યું હતું.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે એલિમિનેટર મેચ 4 વિકેટે હાર્યા બાદ દિનેશ કાર્તિક અને RCBના અન્ય ખેલાડીઓએ મેદાનની દરેક તરફ ચક્કર મારીને પોતાના ફેન્સના ધન્યવાદ કાર્ય હતા.

આ લેપ ઓફ ઓનર પૂરું થયા બાદ મેદાન પર વિરાટ કોહલી દિનેશ કાર્તિકને ભેટી રહ્યો હોય તેવાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ પરથી સાબિત થાય છે કે દિનેશ કાર્તિકે ગઈકાલે પોતાની અંતિમ મેચ રમી લીધી છે.

કાર્તિક જ્યારે પેવેલીયન તરફ જઈ રહ્યો હતો ત્યારે તેની બંને તરફ RCBના ખેલાડીઓ ઉભા રહી ગયા હતા અને તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

દિનેશ કાર્તિકે IPLમાં જુદીજુદી ટીમો વતી 257 મેચો રમી છે જેમાં 4842 રન્સ બનાવ્યા છે. કાર્તિકે 22 હાફ સેન્ચુરી મારી છે. દિનેશ કાર્તિક 17 વર્ષ IPL રમ્યો છે અને આ દરમ્યાન તેણે 6 ફ્રેન્ચાઈઝીઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

2008માં કાર્તિકે પોતાની પહેલી સિઝન તે સમયની દિલ્હી ડેરડેવિલ્સ ટીમ તરફથી રમી હતી. ત્યાર બાદ 2011માં તે પંજાબ અને ત્યાર બાદ મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત લાયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને હવે RCB તરફથી રમ્યો હતો. દિનેશ કાર્તિકે KKRની કપ્તાની પણ કરી હતી.

દિનેશ કાર્તિકે પોતાની IPLની છેલ્લી સિઝનમાં 15 મેચોમાં 326 રન્સ બનાવ્યા હતા જેમાં તેની એવરેજ 36.22ની રહી હતી જ્યારે સ્ટ્રાઈક રેટ 187.36ની રહી હતી.

Back to top button