ગુજરાતટ્રેન્ડિંગ

જીવનની અંતિમ પળ/ સ્પીચ આપતી અમદાવાદની 24 વર્ષીય યુવતીનું સ્ટેજ પર જ હાર્ટ એટેકથી નિધન

સુરત/અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. હસતા-રમતા અને સ્વસ્થ દેખાતા યુવાનો અચાનક જ મોતને ભેટી રહ્યા છે. આવી જ એક કાળજું કંપાવી દેતી ઘટના સુરતની કાપોદ્રા સ્થિત ધારુકાવાળા કોલેજમાં બની છે, જ્યાં સ્ટેજ પર ઉત્સાહભેર સ્પીચ આપી રહેલી અમદાવાદની એક 24 વર્ષીય યુવતીનું અચાનક ઢળી પડતાં કરુણ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના દ્રશ્યો જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે.

ઘટનાની વિગત અને સીસીટીવી ફૂટેજ મળતી માહિતી મુજબ, મૂળ અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી અકાશેઠની પોળમાં રહેતા 24 વર્ષીય જીલબેન સુરેશભાઈ ઠક્કર વ્યવસાયે એક આઈટી કંપનીમાં ફરજ બજાવતા હતા. તેમની કંપની દ્વારા સુરતની કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારુકાવાળા કોલેજમાં એક સેમિનાર અને કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે જીલબેન સ્ટેજ પર પહોંચ્યા હતા. તેઓ માઈક હાથમાં લઈને સ્પીચ આપી રહ્યા હતા, ત્યારે જ અચાનક કાળનો પંજો તેમના પર ત્રાટક્યો હતો. ચાલુ સ્પીચે જ જીલબેન સ્ટેજ પર ઢળી પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા.

હોસ્પિટલ પહોંચતા જ મૃત જાહેર કરાયા યુવતીને અચાનક સ્ટેજ પર પડતી જોઈને કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમાચાર મળતા જ તેમના પરિવાર અને સહકર્મીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જીલબેનના પરિવારમાં તેઓ અને તેમનો એક મોટો ભાઈ હોવાની માહિતી મળી છે.

પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ આ ઘટના અંગે કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, જીલબેન આઈટી કંપનીના કામ અર્થે સુરત આવ્યા હતા. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને વિસેરાના સેમ્પલ લેવામાં આવ્યા છે જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ અને લક્ષણો જોતા આ બનાવ હાર્ટ એટેકને કારણે બન્યો હોવાની પ્રબળ શક્યતા છે.

ચિંતાજનક ટ્રેન્ડ જીલબેનનું આ રીતે અકાળે અવસાન થવું એ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે લાલ બત્તી સમાન છે. સુરત અને સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં ડાન્સ કરતા, ક્રિકેટ રમતા કે સ્પીચ આપતા અચાનક બેભાન થઈ જવું અને મૃત્યુ પામવાના કિસ્સાઓ ભયજનક રીતે વધી રહ્યા છે. સુરતમાં જ રોજના સરેરાશ એકથી બે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે તબીબી જગત અને સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
Back to top button