બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને ડીસાના હીરાના વેપારીઓની મુંબઈ અને સુરત હીરા બજારમાં હીરાના વેપાર ઉપર મજબૂત પકડ છે. અહીંના સાહસિક વેપારીઓની હોંગકોંગ, બેંગકોંગ, દુબઈ સહિત અન્ય દેશોમાં હીરાની એક્સપર્ટ -ઇનપોર્ટની ઓફિસો આવેલી છે. ત્યારે તાજેતરમાં આરબીઆઇ એ રૂપિયામાં પેમેન્ટની મંજૂરી આપી છે. જેને લઈને હવે રશિયન રફ હીરાની મોટા પ્રમાણમાં આયાત થશે, તેમ મુંબઈ હીરા બજારના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને અમેરિકાએ રશિયા સાથેના વેપારમાં પ્રતિબંધ મૂક્યા હતા. રશિયા યુદ્ધ માટે નાણાં ઉભા ના કરી શકે તેના માટે આ પ્રતિબંધ મુકાયો હતો. આ દરમિયાન રશિયા, શ્રીલંકા અને અન્ય દેશો સાથેની આયાત- નિકાસ કરવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારત અને અન્ય દેશોની વચ્ચે ટ્રેડ સેટલમેન્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. અમેરિકાએ ડોલરનો પ્રવાહ અટકાવી દીધો છે. તેને લઈને ભારતીય કંપની આયાત માટે પેમેન્ટના અન્ય વિકલ્પની શોધમાં હતી. રશિયન કમોડિટીના નીચા ભાવનો ભારતીય કંપનીઓ લાભ લેવા તક શોધી રહી હતી. ખાસ નોંધનીય બાબત છે કે, મુખ્ય કરન્સીઓ ડોલર, યુરો તથા પાઉન્ડ સામે રૂપિયાની કિંમત ઘટી હતી. ચાલુ વર્ષમાં રૂપિયો ડોલર સામે છ ટકા સુધી તૂટી ગયો છે. જેને લઈને ભારતનું આયાત બિલ ઊંચું રહે છે. ડોલર સામે રૂપિયો ઘટતો અટકાવવા માટે રિઝર્વ બેન્કે આ પગલું લીધું છે. રીઝર્વ બેંક દ્વારા નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
હીરામાં તેજીનું વાતાવરણ જોવા મળશે
મુંબઈના હીરા બજારના નિષ્ણાત જયંતીભાઈ શાહના જણાવ્યા મુજબ રશિયન રફ હીરા ભારતની આયાતના 30% છે. જે ચાર પાંચ મહિનાથી આયાત બંધ હતી, તે હવે ચાલુ થઈ જશે. આ હીરાઓ મોટા પ્રમાણમાં બારીક આવતા હોવાથી હીરા ઉદ્યોગને સારું કામકાજ મળશે. અમેરિકા રશિયાના હીરા સ્વીકારવા તૈયાર નથી. પરંતુ હીરાઓનું ઉત્પાદન થતા હોંગકોંગ, ચાઇના, દુબઈ, ઈન્ડોનેશિયા તથા ભારતમાં સ્થાનિક માંગ રહેતા હીરા ઉદ્યોગમાં તેજીનું વાતાવરણ જોવા મળશે. આ માલની માંગ વધશે, કારણ કે બીજા રફ હીરા કરતાં સસ્તા ભાવે માલ ઉપલબ્ધ થશે.