અંબાજીમાં અશાંતધારો લાગુ કરવા હિન્દુ સમાજની વિશાળ રેલી,બજારો જડબેસલાક બંધ
પાલનપુર : શક્તિપીઠ અંબાજી કરોડો હિંદુઓની આસ્થાનું મોટું ધાર્મિક સ્થાન છે. જ્યાં વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. જ્યાં હજુ સુધી અંબાજીમાં ક્યારે પણ કોમવાદ જેવા રમખાણો થયા નથી. ત્યારે તાજેતરમાં ઉદયપુર ખાતે બનેલી સર કલમની ઘટનાના પગલે સમગ્ર દેશભરમાં પડઘા પડ્યા છે. ત્યારે અંબાજીમાં પણ સાવચેતીના પગલાંના ભાગ રૂપે વિધર્મી લોકો નો પગ પેસારો ન થાય અને શાંતિ ન ડહોળાય તેને માટે હિન્દૂ હિત રક્ષા સમિતિ સજાગ બની છે.
અંબાજીમાં શુક્રવારે હજારોની સંખ્યામાં વેપારીઓ સહીત અનેક હિન્દૂ સમાજના લોકો દ્વારા અંબાજીમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. અંબાજી માં ભગવા ધજા સાથે વિશાળ જંગી રેલી અંબાજી ખોડિવડલીથી નીકળી સમગ્ર અંબાજી શહેરમાં પરિભ્રમણ કરી હિન્દૂ સમાજને જાગૃત અને સચેત કરવા સંદેશો પહોંચાડ્યો હતો.
અંબાજીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક આવેદન પત્ર સરકારને પહોંચતું કરવા અંબાજી ના સર્કલ ઓફિસરને સુપ્રત કરાયું હતું. આ અશાંત ધારામાં કોઈ પણ વિધર્મી વ્યક્તિ પોતાને અંબાજીમાં મિલકત ખરીદવી હોય તો અશાંત ધારા હેઠળ જિલ્લા કલેકટરની પરવાનગી આવશ્યક બનશે, સાથે ભાડુઆત તરીકે રહેવા માટે પણ અશાંત ધારા હેઠળ પરવાનગી લેવી પડશે. તેને લઈ અંબાજી માં અશાંત ધારો લાગુ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
બજાર સંપૂર્ણ બંધ રહ્યા
અંબાજીમાં આ વિશાળ રેલીના આયોજનના ભાગ રૂપે વેપારીઓ પોતાના વેપાર ધંધા સંપૂર્ણપણે બંધ રાખ્યા હતા. જેને લઈ બજારોમાં પણ દુકાનો જડબેસલાક બંધ રહેતા સન્નાટો જોવા મળ્યો હતો. અંબાજી એક હિન્દૂ સમાજનું મોટું ધાર્મિક સ્થાન છે. જ્યાં આવતા યાત્રિકોની સુરક્ષા કરવી હિન્દૂ સંગઠનોની જવાબદારી બનતી હોઈ અગમચેતીના ભાગ રૂપે અંબાજી માં આ રેલી સહીત બજાર બંધનું આયોજન કરાયું હતું.