ટોપ ન્યૂઝવર્લ્ડ

ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર ગેરકાયદેસર સોનાની ખાણમાં ભૂસ્ખલન, 12 લોકોના મૃત્યુ

  • 18 લોકોનો હજુ સુધી કોઈ પતો નહિ
  • રસ્તા પર કાદવ અને સતત વરસાદના કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી

જકાર્તા, 08 જુલાઈ : ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં સુલાવેસી ટાપુ પર મુશળધાર વરસાદને કારણે ગેરકાયદેસર સોનાની ખાણમાં ભૂસ્ખલન થયું હતું. જેના કારણે ઓછામાં ઓછા 12 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 18 લોકોનો હજુ સુધી કોઈ પતો નથી.

પાંચ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા

સ્થાનિક બચાવ એજન્સી બાસરનાસના વડા હેરિયાન્ટોએ જણાવ્યું હતું કે ગઈકાલે રવિવારે સવારે ગોરોન્ટાલો પ્રાંતના સુમાવા જિલ્લામાં થયેલ ભૂસ્ખલનમાં માટી નીચે દટાયેલા પાંચ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે રેસ્ક્યુ ટીમ હજુ ગુમ થયેલા 18 લોકોને શોધી રહી છે.

આ પણ વાંચો : સુરતના એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ થયો

બચાવ કામગીરીમાં આવી રહી છે મુશ્કેલી

હેરિયાન્ટોએ જણાવ્યું હતું કે, ગુમ થયેલા લોકોને શોધવા માટે અમે રાષ્ટ્રીય બચાવ દળ, પોલીસ અને લશ્કરી કર્મચારીઓ સહિત 164 જવાનોને તૈનાત કર્યા છે. તે જ સમયે, બચાવકર્મીઓએ ભૂસ્ખલન સ્થળ સુધી પહોંચવા માટે લગભગ 20 કિલોમીટર એટલે કે 12.43 માઈલનું અંતર કાપવું પડશે. અહીં રસ્તા પર કાદવ અને સતત વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેટલાક ઘરો પણ નાશ પામ્યા

તેમણે કહ્યું કે જો શક્ય હશે તો તે લોકોને બચાવવા માટે એક્સેવેટરનો પણ ઉપયોગ કરશે. એજન્સીના જણાવ્યા પ્રમાણે ભૂસ્ખલનના કારણે કેટલાક મકાનો પણ ધ્વસ્ત થઈ ગયા છે. ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર એજન્સી (BNPB) એ જણાવ્યું હતું કે ભૂસ્ખલનથી ઘણા મકાનો અને એક પુલને નુકસાન થયું છે. તેણે રહેવાસીઓને ચેતવણી આપી હતી કે ગોરોન્ટાલો પ્રાંતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી શકે છે અને લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું.

અગાઉ પણ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે

એપ્રિલમાં દક્ષિણ સુલાવેસીમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 18 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના પણ ભારે વરસાદના કારણે બની હતી. જે બાદ ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં મે મહિનામાં મુશળધાર વરસાદને કારણે પૂર અને માટી ધસી પડવાના કારણે 50થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.

આ પણ વાંચો : અમેરિકામાં ગરમીથી હાહાકાર, પારો 50 ડિગ્રીને પાર..!

Back to top button