કપડવંજમાં પાઈપલાઈનની કામગીરી દરમિયાન જમીન ધસતાં ચાર શ્રમિકો દટાયા, એક મહિલાનું મૃત્યુ
ખેડા, 23 જાન્યુઆરી 2024, કપડવંજના રૂપજીના મુવાડા ગામે સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનની કામગીરી દરમિયાન જમીન ધસી પડતાં ચાર શ્રમિકો દટાઈ ગયા હતાં. જેમાં એક શ્રમિકનું મૃત્યુ થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. જ્યારે ત્રણ શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણને સારવાર માટે કપડવંજ હોસ્પિટલ ખસેડાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે કપડવંજ તાલુકાના રૂપજીના મુવાડા ગામે આજે બપોરે સુજલામ સુફલામ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનની કામગીરી દરમિયાન અચાનક જમીન પરની માટી ધસી પડતાં નીચે કામગીરી કરી રહેલા ચાર શ્રમિકો દટાયા હતા. ચારેય શ્રમિકોને ભારે જહેમત ઉઠાવીને બહાર કઢાયા હતાં. જેમાં એક મહિલા શ્રમિકનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે ત્રણને સારવાર માટે કપડવંજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જમીન ધસી પડતાં એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું
આ ત્રણેય મજૂરની સ્થિતિ વધુ નાજુક બનતાં કપડવંજથી બહાર સારવાર અર્થે રિફર કરાયા હોવાની માહિતી મળી છે. ચારેય શ્રમિકો દાહોદ જિલ્લાના વતની હોવાની માહિતી મળી છે. ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. ગામના સરપંચ મહેન્દ્રસિંહે મીડિયાને જણાવ્યું હતું કે સુજલામ સુફલામ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કામગીરી ચાલુ હતી આ દરમિયાન જમીન ધસી પડતાં એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે 3 ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા છે.
આ પણ વાંચોઃકેન્દ્રીય મંત્રી દેવુસિંહે નડીયાદ ખાતે પ્રાકૃતિક ખેડૂત હાટની લીધી મુલાકાત