સ્પોર્ટસ

લક્ષ્ય સેને કેનેડા ઓપન બેડમિન્ટનની ફાયનલમાં બનાવી જગ્યા, સિંધુની સેમિફાઇનલમાં હાર

  • બેડમિન્ટનની ટુર્નામેન્ટ કેનેડા ઓપનમાં ભારતના સ્ટાર પુરૂષ ખેલાડી લક્ષ્ય સેને સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
  • મહિલા વર્ગમાં ઓલમ્પિક મેડાલિસ્ટ પીવી સિંધુની સેમિફાઇનલમાં હાર થઇ હતી.

કેનેડાના કાલગૈરીમાં ચાલી રહેલી બેડમિન્ટન સ્પર્ધામાં કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન લક્ષ્ય સેને જાપાનના કેંટા નિશિમોટોને સતત બે ગેમમાં પછાડીને કેનેડા ઓપન સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. લક્ષ્ય સેને જાપાનના 11માં ક્રમાંકિત ખેલાડીને 21-17, 21-14 થી હરાવીને પોતાના બીજા સુપર 500 ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ લક્ષ્ય સેનની એક વર્ષમાં પ્રથમ BWF ફાઇનલ પણ હશે.

ટોપ 10 રેન્કિંગમાંથી લક્ષ્ય થયો હતો બહાર:

સીઝનની શરૂઆતમાં ભારતનો સ્ટાર ખેલાડી લક્ષ્ય સેન સારા ફોર્મમાં ન હતો અને તેથી તે રેન્કિંગમાં 19માં સ્થાન પર આવી ગયો હતો. 2021 વિશ્વ ચેમ્પિયનશિપમાં આ 21 વર્ષના ખેલાડીએ કાંસ્ય પદક જીત્યો હતો. હવે રવિવારે કેનેડામાં લક્ષ્ય સેનનો ફાઇનલ મેચમાં ચીનના લિશિ ફેંગ સામે મુકાબલો થશે. હેડ-ટુ-હેડ રેકોર્ડની જો વાત કરીએ તો લક્ષ્ય સેન આ ચીનના ખેલાડી સામે 4-2 થી આગળ છે. સેન ફાઇનલમાં સારા ફોર્મને યથાવત રાખીને જીત મેળવી ટાઇટલ જીતવા કોર્ટ પર ઉતરશે.

પીવી સિંધુની સેમિફાઇનલમાં હાર:

લક્ષ્ય સેને કેનેડા ઓપન બેડમિન્ટનની ફાયનલમાં બનાવી જગ્યા, સિંધુની સેમિફાઇનલમાં હાર

જ્યારે મહિલા એકલ વર્ગમાં બે વખતની ઓલમ્પિક પદક વિજેતા પીવી સિંધુને સેમિફાઇનલમાં નિરાશા હાથ લાગી હતી. સિંધુ તેનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બતાવવામાં નિષ્ફળ રહી હતી અને જાપપાની પ્રથમ ક્રમાંકિત ખેલાડી અકાને યામાગુચી સામે હારી ગઇ હતી. સિંધુની સેમિફાઇનલ મેચમાં 14-21 15-21 થી હાર થઇ હતી. પીવી સિંધુ એક પણ ગેમ જીતવામાં અસફળ રહી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં કાશ્મીરી યુવકોના RTOમાં લાઇસન્સ બનાવનારો એજન્ટ પકડાતા થયા ચોંકાવનારા ખુલાસા

સેનનું મેચમાં શાનદાર પ્રદર્શન:

લક્ષ્ય સેન ગત વર્ષ ઓગષ્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં રમ્યો હતો. તે સેમિફાઇનલ મેચમાં 0-4 થી પાછળ હતો પણ તેને ફોર્મ દેખાડતા 8-8 થી મેચ બરાબર કરી હતી. પ્રથમ ગેમમાં બ્રેકના સમયે નિશિમોટો 11-10 થી આગળ હતો પરંતુ તરત જ ભારતીય ખેલાડીએ પોતાના ફેવરિટ શોટ સ્મેશ અને ઝડપી રિટર્ન ગેમથી મેચમાં કમબેક કર્યો હતો અને પ્રથમ ગેમ 21-17 થી પોતાના નામે કરી હતી.

બીજી ગેમમાં બંને ખેલાડીઓ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી પણ લક્ષ્ય સેનની સતર્કતા નિશિમોટો પર ભારે પડી હતી. એક સમયે શરૂઆતમાં સ્કોર 2-2 થી સરખો હતો અને તે બાદ 9-9 થી સ્કોર સરખો હતો અને બ્રેક બાદ સેને સરસાઇ મેળવી હતી. બ્રેક બાદ સેન 19-11 થી આગળ થઇ ગયો હતો અને નિશિમોટોનો શોટ ફરીથી નેટ પર અડવાની સાથે ભારતીય ખેલાડી સેને મુકાબલો જીતી લીધો હતો.

આ પણ વાંચો:IND vs WI: ટીમ ઈન્ડિયા પ્રથમ ટેસ્ટ માટે ડોમિનિકા પહોંચી, એરપોર્ટ પર વિરાટ-ઈશાનનો જોરદાર અંદાજ

Back to top button