અયોધ્યા: રામ મંદિરના એન્ટ્રી ગેટ પર લાખોની સંખ્યામાં બૂટ ચપ્પલનો ઢગલો થયો, આ નિયમના કારણે કોઈ લેવા આવતું નથી


અયોધ્યા, 03 માર્ચ 2025: અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવા માટે છેલ્લા દોઢ મહિનાથી ભીડ જમા થતી હોવાના કારણે નગર નિગમ અધિકારીઓને એક અનોખી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ક્રાઉ઼ડ મેનેજમેન્ટના કારણે અહીં અમુક નિયમો બદલાયા છે. આ કારણે શ્રદ્ધાળુઓ પોતાના બૂટ-ચપ્પલ જમા તો કરાવે છે પણ પાછા લેવા કોઈ આવતું નથી. હવે આ બૂટ ચપ્પલને હટાવવાનું પ્રશાસન માટે માથાનો દુખાવો બની ગયું છે. નગર નિગમના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંદિરના પ્રવેશ દ્વાર પર દરરોજ લાખોની સંખ્યામાં બૂટ ચપ્પલ જમા થઈ રહ્યા છે જેને જેસીબી મશીનથી એકઠા કરી ટ્રોલીઓમાં ભરીને 4-5 કિમી દૂર એક જગ્યાએ ઠાલવી દેવામાં આવે છે.
એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર, જે રામ પથ પર આવેલ છે, ત્યાં ભક્તોને તેમના બૂટ ચપ્પલ જમા કરાવવા માટે કહેવામાં આવે છે. મંદિર પરિસરમાં લગભગ અડધો કિલોમીટરનું ચક્કર લગાવ્યા બાદ શ્રદ્ધાળુઓ એ જ ગેટ પરથી પાછા પોતાના બૂટ ચપ્પલ લઈ શકે છે.
ભીડને કાબૂમાં કરવા માટે અયોધ્યા પ્રશાસને ભક્તોને ગેટ નંબર 3 અને અન્ય ગેટથી બહાર નીકળવાની વ્યવસ્થા કરી છે. તેનાથી તેઓ પોતાના બૂટ ચપ્પલ લેવા માટે 5-6 કિમી પાછા આવવું પડે. આ કારણે કોઈ શ્રદ્ધાળુઓ પોતાના બૂટ ચપ્પલ લેવા ઉઘાડા પગે આટલું ચાલીને પરત આવતા નથી.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યું કે મહાકુંભના કારણે ભક્તોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 30 દિવસમાં વ્યવસ્થાઓમાં બદલાવ કર્યો છે, જેથી અપ્રત્યાશિત રીતે આવેલી ભક્તોની ભીડને કોઈ પણ અવ્યવસ્થા વિના આસાનીથી દર્શન કરવાની સુવિધા મળી શકે.
તેમણે કહ્યું, મંદિર સંકુલનો ગેટ નંબર 3 ખોલવામાં આવ્યો છે. મંદિરમાં દર્શન કર્યા પછી, ભક્તોને આ દરવાજામાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી રહી છે. દર્શન કર્યા પછી, ભક્તો શ્રીરામ હોસ્પિટલ થઈને આગળ વધે છે. રામ પથ એક તરફી હોવાથી, ભક્તોને તેમના જૂતા અને ચંપલ લેવા માટે 5-6 કિલોમીટર ચાલવું પડે છે.
આ પણ વાંચો: અમદાવાદ: સોલા બ્રિજની સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી ભયંકર અકસ્માત થયો, પહેલી વખત NHAI સામે ગુનો નોંધાશે