પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ગુજરાતનાં લાખો પરિવારોને મળ્યું પોતાના ‘સપનાનું ઘર’
- રાજ્યમાં યોજના હેઠળ 11.56 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ
- શહેરમાં કુલ 7.50 લાખ અને ગ્રામ્યમાં 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણ
- 2022માં યોજના માટે ગુજરાતને 7 કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયા
પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 11.56 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે.
વર્ષ 2015માં યોજનાની થઈ હતી જાહેરાત
શહેરી વિસ્તારના લોકોને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કરવા તેમજ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવી કિંમતે ઘર મળી રહે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) જાહેર કરી હતી. ત્યારબાદ, ગ્રામીણ વિસ્તારના લોકોને પોતાનું ઘરનું ઘર મળે તેવા ઉદ્દેશ્યથી વર્ષ 2016માં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અમલમાં મૂકવામાં આવી હતી.
શહેરમાં યોજના હેઠળ 9.54 લાખ આવાસ મંજૂર
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ 7.64 લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, જેની સામે આજ દિન સુધીમાં કુલ 9.54 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર થયેલ આવાસોમાંથી 7.50 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને બાકી રહેલા આવાસોની કામગીરી વિવિધ તબક્કાઓમાં પ્રગતિ હેઠળ છે. વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 1 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે રૂ.1066 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 4.06 લાખ આવાસો બનાવાયા
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં આજ દિન સુધીમાં વિવિધ યોજનાઓનું કન્વર્જન્સ કરીને માળખાગત સુવિધાઓ સાથે 4,06,000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે આ યોજના હેઠળ કુલ રૂ. 4877.72 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 1,84,605 આવાસો બાંધવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે અંતર્ગત લાભાર્થીઓને રૂ.2215.26 કરોડની સહાય ચૂકવવામાં આવશે.
આવાસ સાથે વધારાની સહાય પણ મળે છે
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રાજય સરકાર દ્વારા મહિલા લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને આવાસની સાથે સાથે બાથરૂમના બાંધકામ માટે પ્રતિ લાભાર્થી દીઠ રૂ.5000ની વધારાની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 22-23 દરમિયાન 38,000થી વધુ લાભાર્થીઓને રૂ.19.03 કરોડની સહાય ચૂકવવામાં આવેલ છે. આ ઉપરાંત, રાજય સરકાર દ્વારા પ્રથમ હપ્તાની ચુકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ લાભાર્થી દીઠ રૂ.20,000ની પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવે છે. વર્ષ 22-23 દરમિયાન 22,500થી વધુ લાભાર્થીઓને રૂ.45.13કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
ગુજરાતને યોજના માટે પ્રાપ્ત 7 એવોર્ડ
1. બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ CLSS
2. બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ ARHC અંડર મોડલ-01
3. બેસ્ટ AHP પ્રોજેક્ટ અંડર PPP મોડેલ
4. બેસ્ટ સ્ટેટ ફોર કન્વર્જન્સ વિથ અધર મિશન
5. સ્ટેટ વિથ મેક્સિમમ ટેક્નોગ્રાહી વિઝિટ એટ LHP સાઇટ
6. બેસ્ટ પર્ફોર્મિંગ SLTC અંડર PMAY (U)
7. બેસ્ટ પર્ફોર્મિંગ મ્યુનિસિપલ કાઉન્સિલ (ઉના નગરપાલિકા)