બનાસકાંઠા : બે ઇંચ વરસાદમાં જ લાખણી ફરી થયું જળબંબાકાર
- વેપારીઓ ની દુકાનોમાં ફરીથી પાણી ઘૂસી જતા વ્યાપક નુકસાન
- ખેતરો પણ બન્યા જળબંબોળ
બનાસકાંઠા 30 જુલાઈ 2024 : લાંબા સમય પછી બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે, ત્યારે જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં મુસળધાર વરસાદ થયો છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ પ્રવર્તી રહ્યો છે, પરંતુ મોટાભાગના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો વરસાદી પાણીથી ઉભરાયા હતા અને માર્ગો પર નદીના વહેણની જેમ વરસાદી પાણી ફરી વળ્યાના હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.જેમાં ડીસા – થરાદ માર્ગ ઉપર આવેલા લાખણી તાલુકામાં આજે સવારે 10 થી 12 સુધીમાં બે કલાકમાં ૫૬ મીમી એટલે કે બે ઇંચથી વધુ સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. જેને લઈને હાઇવે અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો જળમગ્ન બની ગયા હતા.
જ્યારે હાઇવે ને અડીને આવેલા કેટલાક શોપીંગ સેન્ટરોના બેઝમેન્ટમાં આવેલી વેપારીઓની દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. જેથી વ્યાપારીઓને પોતાની દુકાનનો માલ સામાન ખસેડવાનો વારો આવ્યો હતો, અને કેટલોક માલ સામાન પલળી જતા નુકસાન પણ વેઠવું પડ્યું છે. આજ સવારથી જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયેલું છે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ સાડા પાંચ ઇંચ તે વધુ વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ લાખણીમાં ભારે વરસાદથી તમામ માર્ગો અને શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાયા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં 203 તાલુકાઓમાં મેઘમહેર, જાણો કયા પડ્યો સૌથી વધુ વરસાદ