સચિવાલયના નાયબ સેકશન ઓફિસર સાથે મહિલા અધિકારીને પ્રેમ ભારે પડ્યો, દુષ્કર્મની ફરિયાદ
ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને તરછોડી દેવાના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યાં છે. ત્યારે ગાંધીનગરમાં નવા સચિવાલયનાં એક વિભાગમાં ફરજ બજાવતા મહિલા અધિકારીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સગાઈ કરીને એજ વિભાગના નાયબ સેકશન ઓફિસરે દુષ્કર્મ આચરી તરછોડી દેતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી જવા પામી છે.
પરિવારોની સંમતિથી બંનેએ સગાઈ પણ કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરમાં રહેતા મહિલા અધિકારી નવા સચિવાલયનાં એક વિભાગમાં ફરજ બજાવે છે. આજ વિભાગમાં એક યુવક નાયબ સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. એક જ વિભાગમાં સાથે નોકરી કરતા હોવાથી બંને વચ્ચે એકાદ વર્ષ અગાઉ પરિચય થયો હતો. ધીમે ધીમે બંને વચ્ચે મુલાકાતો શરૂ થતાં નાયબ સેકશન ઓફિસરે મહિલા અધિકારીને પ્રેમજાળમાં ફસાવ્યા હતાં. મહિલા અધિકારીને સાથે નોકરી કરતા નાયબ સેકશન ઓફિસર તરફ પણ આકર્ષણ થવા લાગ્યું હતું અને સમય જતાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. નાયબ સેકશન ઓફિસર મહિલા અધિકારીને ગાંધીનગરની હોટલો અને પોતાના ભાડાના મકાનમાં લઈ જઈ પ્રેમનો ખેલ ખેલતો હતો. મહિલા અધિકારીએ લગ્ન પછી જ શારિરીક સંબંધો રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાદમાં પરિવારોની સંમતિથી બંનેએ સગાઈ પણ કરી હતી.
પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
આ દરમ્યાન લગ્નની લાલચ આપી નાયબ સેકશન ઓફિસર મહિલા અધિકારી સાથે શારિરીક સંબંધો બાંધતો રહેતો હતો. જો કે મહિલા અધિકારીનું શારીરિક શોષણ કર્યા પછી લગ્નનો નનૈયો ભણી નાયબ સેકસન ઓફિસરે સગાઈ તોડી નાખી હતી અને મહિલા અધિકારી સાથેના સંબંધોનો અંત લાવી દીધો હતો. ત્યારે મહિલા અધિકારીએ અહેસાસ થયો હતો કે,પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી નાયબ સેકશન ઓફિસરે પોતાની શારીરિક ભૂખ સંતોષવા સગાઈનું પણ તરકટ રચ્યું હતું. આખરે મહિલા અધિકારીએ મહિલા પોલીસ મથકમાં સેકશન ઓફિસર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃગુજરાતમાં ફરી ઝડપાયો નકલી અધિકારી, ખેડૂતો સાથે કરી લાખો રૂપિયાની છેતરપિંડી