આજે લડ્ડુ હોળી, કાલે લઠ્ઠમાર હોળીઃ જાણો શું છે કૃષ્ણનગરીમાં હોળીની અલગ અલગ પરંપરાઓ
હોળીનો તહેવાર આવતાની સાથે જ કૃષ્ણ નગરી ગણાતી દરેક જગ્યાઓએ હોળીનો ઉલ્લાસ શરૂ થઇ જાય છે. ભારતમાં હોળીનો તહેવાર અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. રંગ અને ગુલાલ ઉપરાંત ક્યાંક ફુલોથી તો ક્યાંક લાકડીઓથી હોળીનો તહેવાર ઉજવાય છે. દર વર્ષે ફુલેરા બીજથી જ હોળીની શરૂઆત થઇ જાય છે અને રંગ પંચમી પર તેનું સમાપન થાય છે. વ્રજમાં ફુલેરા બીજ પર રાધા કૃષ્ણ ફુલોની હોળી રમે છે. જાણો લઠમાર હોળી, છડીમાર હોળી, રંગવાળી હોળી ક્યારે રમાય છે.
લડ્ડુ હોળી (27 માર્ચ)
બરસાનામાં લડ્ડુ હોળી લઠ્ઠમાર હોળીના એક દિવસ પહેલા રમવામાં આવે છે. એવું કહેવાય છે કે લડ્ડુ હોળી લોકોની વચ્ચે મીઠાસ લાવે છે. તેમાં રંગ-ગુલાલની જેમ એકબીજા પર લડ્ડુ ફેંકવામાં આવે છે. એવુ કહેવાય છે કે દ્વાપર યુગમાં બરસાનાથી હોળી રમવાનું નંદગાવમાં નંદબાબાને આમંત્રણ મોકલાયુ હતુ. નંદબાબાએ આ આમંત્રણ સ્વીકાર કર્યુ હતુ. આ સમાચાર પોતાના પુરોહિતના માધ્યમથી બરસાનામાં વૃષભાન જીના ત્યાં મોકલ્યા હતા.બરસાનામાં પુરોહિતને લડ્ડુ ભેટ કરાયા હતા. આ દરમિયાન ગોપીઓએ તેમને ગુલાલ લગાવી દીધુ. પુરોહિત પાસે ગુલાલ ન હતુ તો તેણે લાડુને ગોપીઓ પર ફેંક્યા. બસ ત્યારથી જ લાડુની હોળી રમવામાં આવે છે.
લઠમાર હોળી, બરસાના (28 ફેબ્રુઆરી)
બરસાના અને નંદગામ બંને જગ્યાએ લઠમાર હોળી રમવાની પરંપરા છે.
ફાગણ સુદ નોમના દિવસે બરસાનામાં ગોપીઓ બનેલી મહિલાઓ નંદગામથી આવેલા પુરુષોને પ્રેમથી લાકડીઓ મારે છે. તેનાથી બચવા માટે તેઓ ઢાલનો ઉપયોગ કરે છે. આ તહેવાર તેઓ રાધાકૃષ્ણના યુગથી જ મનાવે છે.
લઠ્ઠમાર હોળી, નંદગામ ( 1 માર્ચ)
નંદગામમાં હોળીની આ પરંપરા ફાગણ સુદ દસમે નિભાવવામાં આવે છે. આ દિવસે બરસાનાથી ગોપીઓ નંદગામ આવે છે અને પુરુષો પર લાકડીઓ વરસાવે છે. વિશ્વપ્રસિદ્ધિ લઠ્ઠમાર હોળી મસ્તીભરી હોય છે. કેમકે તેને કૃષ્ણ અને રાધા સાથે જોડીને જોવામાં આવે છે. આ હોળીમાં ખાસ પ્રકારના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રંગ ટેસુના ફુલમાંથી બન્યા હોય છે.
રંગભરી એકાદશી (વારાણસી અને વૃંદાવન) 3 માર્ચ
ફાગણ સુદ એકાદશીને રંગભરી એકાદશી કહેવાય છે. આ દિવસે જ્યારે ભગવાન શંકર કાશી આવ્યા હતા ત્યારે તેમના ગણોએ રંગ-ગુલાલથી તેમનું સ્વાગત કર્યુ હતુ. આ દિવસે શિવના ગણ ગુલાલ ઉડાડીને ધુમધામથી બાબા સાથે હોળી મનાવે છે. બાંકે બિહારી મંદિરમાં રંગભરી એકાદશીએ ફુલોની હોળી રમવામાં આવે છે. મંદિરના કપાટ ખુલતા જ પુજારી ભક્તો ઉપર ફુલોની વર્ષા કરે છે. આ હોળી માટે કોલકત્તા અને અન્ય જગ્યાએથી ફુલો મંગાવવામાં આવે છે.
છડીમાર હોળી (ગોકુલ) 4 માર્ચ
ફાગણ સુદ બારસના દિવસે ગોકુળમાં છડીમાર હોળીનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓના હાથમાં લાકડીઓ નહીં, પરંતુ છડી હોય છે. આ હોળીનો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણની બાળ અવસ્થા સાથે જોડાયેલો છે. બાળકૃષ્ણને લાકડીથી ઇજા પહોંચે નહીં તે માટે છડીથી હોળી રમવાની પરંપરા છે. ગોકુળમાં હોળી બારસથી લઇને ધુળેટી સુધી ચાલે છે.
હોળી-ધુળેટી (7-8 માર્ચ)
ફાગણ સુદ પુનમના દિવસે હોલિકા દહન થશે. અસત્ય પર સત્યની જીતનું આ પર્વ છે. 8 માર્ચના રોજ ધુળેટીનો તહેવાર ઉજવાશે. તે દિવસે એકબીજા પર રંગ લગાવીને ધુળેટી ઉજવવામાં આવે છે.
રંગ પંચમી ( 12 માર્ચ)
ફાગણ વદ પાંચમને રંગ પંચમી કહેવાય છે. આ દિવસને દેવપંચમી પણ કહેવાય છે. આ દિવસે દેવતાઓને રંગ લગાવવામાં આવે છે અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ તંદુરસ્ત જીવન માટે આમળાના શોટ્સ પીવો! જાણો તેના ચમત્કારિક ફાયદા