વડોદરાઃ ડભોઈ રોડ પાસે આવેલા ત્રણ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, બહેરા તંત્રના કાને રજૂઆત પહોંચાડવા મહિલાઓએ થાળી વગાડી
કાગડા બધે જ કાળા…. હાલ તો પિતૃ મહિનો ચાલી રહ્યો છે ત્યારે કાગડા યાદ આવ તે સ્વભાવિક છે. જેમ કાગડા બધે જ કાળા તેમ રાજ્યની દરેક કોર્પોરેશનમાં અધિકારીઓ-અમલદારોનો વહિવટ પણ એકસરખો જ ચાલે છે. હાલમાં જ અમદાવાદની સીમા વધારવાના પ્રયાસરૂપે કેટલાંક વિસ્તારોને AMCની હદમાં સમાવવાની દરખાસ્ત કરાઈ હતી, પરંતુ ગ્રામવાસીઓએ તેનો વિરોધ કર્યો હતો. પ્રાથમિક સુવિધાઓ પણ ન આપી શકતા કોર્પોરેશનની આ દરખાસ્તનો લોકોએ ઉગ્ર વિરોધ કરી જે છે તે સંભાળો તેમ ચોખ્ખું સંભળાવી દીધું હતું. ત્યારે વડોદરામાં પણ આવી જ હાલત જોવા મળે છે.
વડોદરા કોર્પોરેશનમાં વર્ષો પૂર્વે સમાવવામાં આવેલા પૂર્વ વિસ્તારના ડભોઇ રોડ સોમા તળાવ પાસેના ઇન્દ્રનગર, કૃષ્ણનગર અને ઘાંઘેરેટીયાના 17 હજાર લોકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા થાડીઓ વગાડીને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે માંગણી કરી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના કહેવાથી કોરોના સમયે તંત્રને પ્રોત્સાહન આપવા માટે થાડીઓ વગાડી હતી. હવે અમે અમને અમારી સુવિધાઓ મળે તે માટે થાડીઓ વગાડવાની ફરજ પડી છે. વોટ લઇને જતા રહેલા એક પણ કાઉન્સિલર કે ધારાસભ્યો દેખાતા નથી.
વિકાસનો કામો આજે પણ અધૂરાં
વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે. મોટાભાગના વિકાસના વિવિધ કામો આજે પણ અધૂરા છે. એક તરફ તંત્ર સ્માર્ટ સિટીના દાવા કરે છે. તો બીજી તરફ પ્રાથમિક સુવિધા મુદ્દે વડોદરાવાસીઓ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવી રહ્યા છે. વડોદરા કોર્પોરેશનની હદમાં વર્ષો અગાઉ અનેક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે વિસ્તારોમાંથી વડોદરા કોર્પોરેશન વેરાની વસૂલાત પણ કરી રહી છે. પરંતુ પ્રાથમિક સુવિધા આપવાની કામગીરી ગોકળગતીએ ચાલતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરે છે.
રોડ-રસ્તા અને ડ્રેનેજની સુવિધા પણ નહીં
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અને ઇલેક્શન વોર્ડ નંબર 16 માં સમાવિષ્ટ ઘાઘરેટીયા, કૃષ્ણનગર અને ઈન્દ્રનગર વસાહતમાં અંદાજે 17 હજાર જેટલા લોકો વસવાટ કરે છે. નવાઈની વાત એ છે કે, આ વિસ્તારોમાં આજ દિન સુધી રોડ રસ્તા અને ડ્રેનેજ લાઈનની સુવિધા નથી. ખૂલ્લી વરસાદી કાંસ ચોમાસાની ઋતુ દરમિયાન રસ્તાની સમાંતર થઈ જતા અકસ્માતની ઘટનાઓ પણ બને છે. આ ત્રણે વિસ્તારના લોકોને પોતાના ઘર સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે.
રોગચાળાનો ખતરો
હાલમાં સમગ્ર શહેરમાં ડેન્ગ્યુ, મેલેરીયા, તાવ, કમળો જેવા રોગચાળાએ માથું ઉંચક્યું છે. શહેરનો એવો એક પણ વિસ્તાર નથી. જ્યાં રોગચાળાએ ભરડો લીધો ન હોય, ત્યારે આ વિસ્તારમાં અસહ્ય ગંદકીના પગલે મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. પરિણામે લોકો રોગચાળાની દહેશતના પગલે સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. ઇમરજન્સી વાહનો વિસ્તારમાં અંદર જઈ શકતા નથી. પીવાનું પાણી દૂષિત મળતા સ્થાનિકોને ખરીદવનો વખત આવ્યો છે. સ્કૂલે અભ્યાસ કરવા જતાં બાળકો રસ્તાની આસપાસમાં ભરાઇ રહેલા પાણીના કારણે એકલા જઇ શકતા નથી. વાલીઓને પોતાના બાળકોને સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી રહી છે.
અનેક રજૂઆત છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં
સ્થાનિક લોકો દ્વારા અનેક વખત સ્થાનિક કાઉન્સિલરો, વોર્ડ ઓફિસ તેમજ કોર્પોરેશનના સત્તાવાળાઓ સમક્ષ અનેક વખત પોતાના વિસ્તારોમાં રસ્તા, ડ્રેનેજ, લાઇટ જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, દરેક જવાબદાર હોદ્દેદારો, કાઉન્સિલરો, ઠાલા વચનો આપી રહ્યા છે. પરંતુ, કોઇ કામગીરી કરી રહ્યા નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં, કોઇ પરિણામ ન આવતા ઇન્દ્રનગર, ક્રૃષ્ણનગર અને ઘાઘરેટીયાના રહીશો એકઠા થઇ હતા. અને તંત્ર સામે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. તો મહિલાઓએ થાડીઓ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક રહીશોએ વહેલી તકે પ્રશ્નો હલ કરવાની માંગણી કરી છે. નહીં તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.