કચ્છ: કાનમેરમાં સામુહિક રીતે 8 મંદિરોને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ
- ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ લગાવી દેવામાં આવ્યા છે
- 3 ગામોમાં સામુહિક તસ્કરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો
- બનાવમાં પોલીસને ચોરોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા
શિયાળાની શરૂઆત થતાં જ જાણે ચોરોની સિઝન શરૂ થઈ હોય તેમ ખાસ કરીને વાગડ વિસ્તારમાં દેવ મંદિરોને નિશાન બનાવી તેમાં ચોરી કરવામાં આવી રહી છે. એક ચોક્કસ ગેંગ દ્વારા આ ચોરીઓને અંજામ અપાઈ રહ્યો હોય તેમ પહેલા ચિત્રોડ આસપાસના ગામોમાં 10થી વધુ મંદિરમાં ચોરી કર્યા બાદ હવે એ જ ગેંગ દ્વારા કાનમેરમાં સામુહિક રીતે 8 મંદિરોને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ ફેલાયો છે.
ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ લગાવી દેવામાં આવ્યા છે
જોકે આ બનાવમાં સારું એ થયું હતું કે પૂર્વ કચ્છ પોલીસને અપીલને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ લગાવી દેવામાં આવ્યા છે. જેમાં કાનમેરમાં થયેલી મંદિર ચોરીમાં ચોરી કરનાર 3 ઇસમો કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેના આધારે પોલીસે અન્ય પોલીસ મથકની મદદ લઈ ગેંગ પૈકીનાં અમુક ઈસમોને પકડી પણ લીધા હોવાનું જાણવા મળ્યું છે.
3 ગામોમાં સામુહિક તસ્કરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો
હજુ થોડા દિવસ પહેલા જ ચિત્રોડ, મેવાસા અને જેઠાસરી સહિતના 3 ગામોમાં સામુહિક તસ્કરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પોલીસે જુદી જુદી જુદી એજન્સીઓની ટિમ બનાવી ચોરોને ઝડપી લેવા પ્રયત્નો હાથ ધર્યા છે. આ બનાવને હજુ 4 દિવસ માંડ થયા છે ત્યાં ફરી એજ ગેંગ દ્વારા ચિત્રોડથી 27 કિમી દૂર અને ગાગોદર પોલીસની હદમાં જ રણકાંધીએ આવેલા કાનમેરના એક સાથે 8 મંદિરોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.
બનાવમાં પોલીસને ચોરોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા
ગાગોદર પોલીસના જણાવ્યા મુજબ રાત્રે 1 વાગ્યા આસપાસ કાનમેર ગામના વચ્છરાજ દાદાનું મંદિર, નારણદેવીનું મંદિર, મોમાઇ માતાજીનું મંદિર, રાજબાઈ માતાજીનું મંદિર, નાગબાઈ માતાજીનું મંદિર, ચામુંડા માતાજીનું મંદિર, રામજી મંદિર અને સાળંગ દેવી મંદિર સહિત કુલ 8 મંદિરોમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ચાંદીના છતર, ગાય, મુગટ સહિતના મુદ્દામાલની ચોરી કરી જવામાં આવી હતી. જે બનાવમાં પોલીસને ચોરોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા માટે અમદાવાદથી 50 વધારાની બસ દોડાવવામાં આવશે