કચ્છમાં વેપારીના અપહૃત પુત્રનો ખાડામાં દાટી દેવાયેલો મૃતદેહ મળ્યો
અંજારઃ કચ્છના અંજારમાં 19 વર્ષના યશ નામના છોકરાનું રહસ્યમય રીતે અપહરણ થયું હતું. ત્યાર બાદ કોઈ અજાણ્યા શખ્સોએ યશની માતાને ફોન કરીને મુંબઈ આવીને સવા કરોડ રૂપિયા આપી જવા જણાવ્યું હતું. પોલીસે આ કેસની તપાસમાં ભારે જહેમત ઉઠાવી હતી અને હવે પોલીસને આ યુવકનો મૃતદેહ હાથ લાગ્યો છે. પાંચ દિવસની તપાસ બાદ પોલીસે માત્ર મૃતદેહ શોધી કાઢ્યો છે.
પોલીસે 10 ટુકડીઓ સાથે તપાસ આદરી હતી
અંજારના મેઘપર બોરીચીમાં રહેતો યશ સવારે ઘરેથી એક્ટિવા લઈને કોલેજ જવા નીકળ્યો હતો. સાંજ સુધી તે ઘરે પરત નહોતો ફર્યો, ત્યારે તેની માતાના મોબાઈલ પર કોઈ અજાણ્યા શખ્સોએ ફોન કર્યો હતો અને મુંબઈ આવીને સવા કરોડ આપીને દીકરાને છોડાવી જવા કહ્યું હતું. આ ફોન કોલ્સ બાદ યશના પરિવારે પોલીસને જાણ કરી હતી અને પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે 10 ટુકડીઓ સાથે તપાસ આદરી હતી.
ઝાડી ઝાંખરા વાળી જગ્યામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
યશે અપહરણ થયું તે પહેલાં સ્નેપચેટ નામની મેસેજિંગ એપ પર ચાર સેકન્ડની વીડિયો ક્લીપ શેર કરી હતી અને તેમાં બોલ્યો હતો કે, ફસ ગયા,, ત્યાર બાદ પોલીસે આ મેસેજનું લોકેશન ટ્રેસ કરીને આદિપુરમાં પંચમુખી હનુમાન મંદિરની પાછળની ઝાડી ઝાંખરા વાળી જગ્યામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસને યશનો એક બુટ મળ્યો હતો અને ત્યાંથી નજીકમાં એક ખાડો ખોદીને પુરી દીધેલી હાલતમાં દેખાયો હતો. આજે સવારે આ ખાડો ખોદતાં તેમાંથી એક લાશ મળી આવી હતી. જેને યસના પિતાએ યશની હોવાની ઓળખ કરી હતી.
ખાડામાં દાટી દેવાયેલો યશનો મૃતદેહ બહાર કાઢયો
પોલીસે પાંચેક ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવાયેલો યશનો મૃતદેહ બહાર કાઢયો હતો અને સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી કરાવી મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવા તજવીજ હાથ ધરાઈ. યશની હત્યા કેવી રીતે કરવામાં આવી એ ઑટોપ્સીમાં સ્પષ્ટ થશે. આ અપહરણ અને હત્યાની સમગ્ર ઘટનાને એકથી વધુ લોકોએ ઠંડા કલેજે પ્લાન કરીને અંજામ આપ્યો હોવાની પોલીસને આશંકા છે.