કુંવરજી બાવળિયા વિધિવત રીતે ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન મોડમાં, પીવાના પાણીની અછત દૂર કરવાને પ્રાધાન્ય આપ્યું
ગાંધીનગરઃ રાજ્ય સરકારના કેબિનેટ કક્ષાના મંત્રી કુંવરજી બાવળિયાએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. ગઈકાલે પ્રથમ કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓના ખાતાની વહેંચણી કરવામાં આવી હતી. ત્યારે આજે કુંવરજી બાવળિયાએ પોતાના કાર્યાલયમાં સત્યનારાયણની કથા અને પૂજા અર્ચના કરી વિધિવત રીતે ચાર્જ સાંભળ્યો હતો. કુંવરજી બાવળિયા પાસે ગ્રામીણ વિસ્તારોને સ્પર્શે એવા જળ સંપતિ, પાણી પુરવઠા અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગોની જવાબદારી છે. ચાર્જ સાંભળતાની સાથે જ કુંવરજી બાવળિયા એક્શન મોડમાં જોવા મળ્યા હતા.
વાંચોઃ ગુજરાતના નવા મંત્રીઓને મળી ગયા ખાતા, જાણો કોને કયા વિકાસ કરવાની દાદાએ આપી તક
ચાર્જ સંભાળ્યા બાદ કુંવરજી બાવળિયાએ જણાવ્યું છેકે, મને ગામડાંને સ્પર્શતા ત્રણ વિભાગો સોંપવામાં આવ્યા છે. આ ત્રણેય વિભાગો, જળ સંપત્તિ, પાણી પૂરવઠા અને અન્ન નાગરિક પૂરવઠા વિભાગ. જે લોકો સાથે સીધો સંપર્ક રહે છે. આ ત્રણેય વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરીને તેમની યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય, લોકોને મુશ્કેલી ન પડે અને સરળતાથી યોજનાઓનો લાભ મળે તેમજ છેવાડાના માનવી સુધી પહોંચે તેવો મારો પ્રયાસ રહેશે.
પીવાના પાણી માટેની જે સમસ્યાઓ છે તેનો ઉંડાણથી અભ્યાસ કરવામાં આવશે. સિંચાઈ વિભાગની યોજનાઓનો લાભ પણ વિશેષ ગામડાઓ સુધી કેવી રીતે અપાવી શકાય અને અન્ન-નાગરિક પૂરવઠા વિભાગની યોજનાઓનો મહત્તમ લાભ છેવાડાના લોકોને મળે, જરૂરિયાતમંદ લોકોને મળે તેવા પ્રયાસો રહેશે. નળ સે જલ યોજના કેટલી પૂર્ણ થઇ છે અને કેટલી અધૂરી રહી છે તેનો રિવ્યૂ કરીને યોજના ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં કામ હાથ ધરવામાં આવશે.
કુંવરજી બાવળિયા ભાજપ સરકારમાં બીજી વાર કેબિનેટ મંત્રી બન્યા છે. બન્ને વખતે તેમને પાણી પુરવઠા વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ વિજયભાઈ રૂપણીની સરકારમાં કુંવરજી બાવળિયા પેટા ચૂંટણી જીત્યા બાદ કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમના અનુભવ આધારે ભુપેન્દ્ર પટેલની સરકારમાં પણ કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા વિભાગના મંત્રી બનાવવમાં આવ્યા છે.
વાંચોઃ વિધાનસભામાં એક મુખ્ય દંડક અને ચાર નાયબ દંડકની કરાઇ નિમણૂક, જાણો કોને સોપાઈ આ જવાબદારી
કુંવરજી બાવળિયા કોળી સમાજના આગેવાન છે. જસદણ વિધાનસભા સીટ પરથી તેઓ વિજેતા બન્યા છે. 2019માં તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. ભાજપ સરકારમાં બીજી વાર કેબિનેટ મંત્રી બન્યા છે.