પૂર્વ મુખ્યમંત્રીએ વીજચોરી બદલ રૂ.68 હજારનો દંડ ભરવો પડ્યો
બેંગલુરુ: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પર દિવાળીના પર્વે વીજળી ચોર્યાનો આરોપ લાગ્યો હતો. રાજ્યના BESCOM એ દિવાળીના પર્વે કુમારસ્વામીના નિવાસસ્થાને રોશની કરવા માટે સ્ટ્રીટ લેમ્પના પોલમાંથી વીજળીના ગેરકાયદેસર જોડાણ કરવા બદલ 68,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો કે, તેમણે આ દંડ ભરી દીધો છે. આના પર કુમારસ્વામીએ કહ્યું કે બેસ્કોમે 2.5 કિલોવોટની ગણતરી કરી છે. તેમનો આક્ષેપ છે કે ગણતરી અનુસાર, 2,526 બિલ આવવું જોઈએ પરંતુ તેમની પાસેથી 68 હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા છે.
જો કે પૂર્વ મુખ્યપ્રધાને દંડ ગણવાની રીત અને તેમની વિરુદ્ધ દાખલ એફઆઇઆરને ખામીયુક્ત ગણાવી હતી. કુમારસ્વામીએ કોંગ્રેસ સરકાર પર તેમની વિરુદ્ધ રાજકીય કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો. પોતાનો બચાવ કરતાં તેમણે જણાવ્યું કે દિવાળીના સમયે ઘર સજાવાઈ રહ્યું ત્યારે તેઓ પોતાના નિવાસ સ્થાને નહીં પરંતુ, રામનગર જિલ્લામાં હતા. ઇલેક્ટ્રિશિયને તેમની જાણ વગર આ કામ કર્યું છે. આને લઈ તેમણે વિજિલન્સ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવ્યા છે. તેમજ તમામ દાવાઓને પાયાવિહોણાં ગણાવ્યા હતા.
નોંધનીય છે કે 14 નવેમ્બરે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી પર દિવાળી દરમિયાન ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિકલ વાયરને જોડીને તેમના નિવાસસ્થાનની ડેકોરેટિવ લાઇટ લગાડવાનો આરોપ લગાવ્યો છે. આ પછી તેમની સામે ગુનો નોંધી એફઆઈઆર દાખલ કરાઈ હતી.
આ પણ વાંચો: ઝારખંડમાં લગ્ન બાદ જાનૈયાઓને લઈ પરત ફરતી કારનો અકસ્માત, પાંચના મૃત્યુ