ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિપુર હિંસામાં જીવ ગુમાવનારાઓમાં કુકી લોકોની સંખ્યા બે તૃતીયાંશ; 181 મૃતકોમાં 113 કુકી: રિપોર્ટ

નવી દિલ્હી: મણિપુરમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક વિશ્લેષણ દર્શાવે છે કે આ જાતિ હિંસાનો ભોગ બનેલા બે તૃતીયાંશ લોકો કુકી સમુદાયના છે.

ન્યૂઝ એજન્સી રોઇટર્સ દ્વારા કરવામાં આવેલા ડેટાના વિશ્લેષણને ટાંકીને ધ ટેલિગ્રાફે જણાવ્યું છે કે 3 મેના રોજ શરૂ થયેલી વંશીય હિંસામાં જીવ ગુમાવનારા 181 લોકોમાંથી 113 કુકી સમુદાયના છે અને 62 મેતેઈ સમુદાયના છે.

ટેલિગ્રાફ લખે છે કે આ અઠવાડિયે રોઇટર્સ દ્વારા સમીક્ષા કરાયેલ નવા સરકારી ડેટા અનુસાર, કુકી સમુદાયને હિંસાના કારણે ખુબ જ મોટું જાન-માલનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. તેઓ મેતેઈ વસ્તીનો એક તૃતીયાંશ હિસ્સો છે, પરંતુ પીડિતોમાં બે તૃતીયાંશ હિસ્સો ધરાવે છે.

આંકડા અનુસાર, મૃત્યુઆંક 181 છે, જેમાં 113 કુકી અને 62 મેતેઈ સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. મેના પ્રારંભમાં હિંસાના પ્રથમ સપ્તાહમાં, 10 મેતેઈની સરખામણીમાં 77 કુકી લોકો માર્યા ગયા હતા.

મણિપુર સ્થિત એક સંઘીય સુરક્ષા અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે, “બંને પક્ષો પાસે ઉપલબ્ધ સંસાધનો સમાન નથી. આ બરાબરી વચ્ચેની લડાઈ નથી.

આ પણ વાંચો-અત્યાર સુધી કોઈ મહિલા સૈન્યના વિશેષ દળોમાં જોડાવા માટેની તાલીમ પાસ કરી શકી નથી: સરકાર

સરકારી અંદાજ મુજબ, મેતેઈ પાસે રાજ્યના શસ્ત્રાગારમાંથી ચોરાયેલી રાઇફલ્સ, શોટગન અને પિસ્તોલ સહિત 2,780 શસ્ત્રો છે, જ્યારે કુકી પાસે 156 શસ્ત્રો છે.

તો બીજી તરફ મેતેઈનું પ્રભુત્વ ધરાવતી રાજ્ય પોલીસને પણ પક્ષપાતી ગણાવવામાં આવી રહી છે. જ્યારે સૈન્યના જવાનોને શાંતિ બનાવી રાખવાનું કહેવામાં આવ્યું છે પરંતુ ઉપદ્રવીઓને નિઃશસ્ત્ર ન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

મ્યાનમારની સરહદે આવેલ મણિપુર 32 લાખની વસ્તી સાથે ભારતના સૌથી નાના રાજ્યોમાંનું એક છે. જ્યારે કુકી રાજ્યની વસ્તીના 16 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે મેતેઇ 53 ટકા છે.

મોટાભાગના કુકીઓ મેતેઈ-પ્રભુત્વવાળી રાજધાની ઇમ્ફાલ અને આસપાસના ખીણ પ્રદેશને છોડીને પહાડો પર ભાગી ગયા છે.

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગની હિંસા અને હત્યાઓ મણિપુરની તળેટી નજીકના બફર ઝોનમાં થઈ છે, જ્યાં નિયમિતપણે ગોળીબાર થાય છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગનો વિસ્તાર જ્યાં મેતેઇ પ્રભુત્વવાળું બિષ્ણુપુર જિલ્લો કુકી-નિયંત્રિતવાળા ચુરાચંદપુરને મળે છે તે બફર ઝોનમાંનો એક છે જ્યાં ખુબ જ ખરાબ સંઘર્ષનો જોવા મળ્યો છે.

ઇતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાએ પરિસ્થિતિને ‘અરાજકતા અને ગૃહયુદ્ધનું મિશ્રણ અને રાજ્ય વહીવટની સંપૂર્ણ નિષ્ફળતા’ ગણાવી હતી.

આ પણ વાંચો- દિલ્હી વટહુકમ પરનું બિલ સોમવારે સંસદમાં રજૂ થશે, લોકસભામાં હોબાળો થવાની સંભાવના

ગુહાએ એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં કહ્યું, “ગંભીર રાષ્ટ્રીય કટોકટીના સમયે આ વડાપ્રધાનની નિષ્ફળતા છે.” નરેન્દ્ર મોદી ખરાબ સમાચાર સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરતા નથી અને તેમને આશા છે કે તેઓ કોઈક રીતે તેમાંથી બહાર આવશે.

અહેવાલમાં જણાવાયું છે છે કે, વડાપ્રધાન કાર્યાલય (PMO) અને રાજ્ય સરકારના પ્રવક્તાએ ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો.

કુકી નાગરિક સમાજ જૂથોના એકીકૃત સંગઠન કુકી ઇન્પી મણિપુરના જનરલ સેક્રેટરી કે. હાઓપુ ગંગટેએ કુકી જમીનો પર વર્ચસ્વ સ્થાપિત કરવાની મેતેઈની ઇચ્છા પર સંઘર્ષને જવાબદાર ઠેરવ્યો. તેમણે કહ્યું કે કુકી લોકો હવે ભારતમાં નવું રાજ્ય ઈચ્છે છે.

ગંગટેએ કહ્યું, “જ્યાં સુધી આપણે રાજ્યનો દરજ્જો પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી અમે રોકાઈશું નહીં. અમે માત્ર મેતેઈ સામે જ લડી રહ્યા નથી, અમે સરકાર સામે પણ લડી રહ્યા છીએ.

મેતેઈ સમુદાયના મુખ્ય સંગઠન Meitei Lipunના સ્થાપક પ્રમોત સિંહે કહ્યું કે તમામ મેતેઈ સંઘર્ષને સમર્થન આપે છે.

અહેવાલ મુજબ, ઇમ્ફાલ નજીક તેમના ઘરની બહાર પિસ્તોલ સાથે બેસેલા તેમણે કહ્યું કે તેમનું જૂથ કુકીઓ સાથે લડવાનું ચાલુ રાખશે જ્યાં સુધી તેઓ મણિપુરથી અલગ રાજ્યની માંગ કરવાનું બંધ કરશે.

તેમણે કહ્યું, ‘મેતેઈ તરફથી લડાઈ ચાલુ રહેશે. આ તો માત્ર શરૂઆત છે.’

આ પણ વાંચો-સુપ્રીમ કોર્ટે મોબ લિન્ચિંગ સંબંધિત PIL પર કેન્દ્ર અને છ રાજ્યો પાસેથી માંગ્યો જવાબ

Back to top button