અમદાવાદગુજરાત

જૌહર કરનારી ક્ષત્રિયાણીઓને તેમના ઘરે મોકલાઈ, મહિપાલસિંહને રાજસ્થાન લઈ જવાયા

Text To Speech

અમદાવાદ, 06 એપ્રિલ 2024, ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરવા જનાર પાંચ ક્ષત્રિયાણીઓને બોપલ ખાતેના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા હતાં. પાંચેય બોપલથી સાંજે 4 વાગ્યે કમલમ જવા નીકળે તે પહેલાં તેમની અટકાયત કરવામાં આવી છે. બોપલ ખાતે મળવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને ગુજરાતના કરણી સેના પ્રમુખ વીરભદ્રસિંહની અટકાયત કરી લેવામાં આવી છે.બોપલ ચાર રસ્તા પર ક્ષત્રિયોનો વિરોધ જોવા મળી રહ્યો છે. મહિપાલસિંહને હેડક્વાર્ટરથી પોલીસની ગાડીમાં અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા  હતાં. ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચ તેમને લઈને રાજસ્થાન તરફ રવાના થઈ છે.

પોલીસ અને ક્ષત્રિયાણીઓ વચ્ચે બોલાચાલી
પાંચ ક્ષત્રિયાણીઓએ ગાંધીનગરના કમલમ ખાતે શનિવારે સાંજે ચાર વાગ્યે જૌહર કરવાની જાહેરાત કરી હતી. 4 વાગ્યાથી ઘરમાં પોલીસ કાફલો વધારી દેવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ, સરખેજ પોલીસ, મહિલા પોલીસ કર્મીઓ સહિત 50થી વધુ પોલીસ ઘરમાં ખડકી દેવામાં આવી છે. પોલીસ સિવાય કોઈપણ વ્યક્તિને ઘરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. ઘરમાં રહેલી મહિલાઓને બહાર નીકળવા દેવામાં ન આવતા પોલીસ અને ક્ષત્રિયાણીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. કરણી સેનાના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના આગેવાનો હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા છે. મહિપાલસિંહની અટકાયત અંગે પોલીસ સાથે ચર્ચા કરી રહ્યા છે. ભીડ વધતા હેડક્વાર્ટર ખાતે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. આગેવાનો હેડક્વાર્ટરમાં અધિકારીને મળવા પહોંચ્યા છે.

આ પણ વાંચોઃ વીડિયોઃ જૌહરની જાહેરાત કરનાર મહિલાઓ નજરકેદ, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત

Back to top button