જામનગરમાં પૂનમબેન માડમના રોડ શોમાં ક્ષત્રિયોના સૂત્રોચ્ચાર, બેનરો ફાડી ખુરશીઓ ઉછાળી


જામનગર, 27 એપ્રિલ 2024, રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીનો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. ભાજપની રેલી કે સભા હોય ત્યા ક્ષત્રિય યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જામનગરના જામજોધપુરમાં તાજેતરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમની રેલીમાં ક્ષત્રિય યુવાનોએ વિરોધ કર્યા બાદ હવે ગઈકાલે નવાગામ ઘેડ અને કાલાવડમાં પણ ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. નવાગામ ઘેડમાં તો ક્ષત્રાણીઓ રણચંડી બની હોય તેવુ જોવા મળ્યું હતું. ભાજપના બેનર પણ તોડી નાખ્યા હતા. તેમજ ખુરશીઓ ઉછાળવામાં આવી હતી.
પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
કાલાવડ મુકામે પૂનમબેન માડમનો રોડ શો તેમજ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે સભા યોજાઈ હતી.મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો દ્વારા ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના લોકોએ ‘ભાજપ હાય હાય’ અને ‘રૂપાલા હાય હાય’ ના નારા લગાવી સભા તરફ આગળ વધી રહ્યા હતા અને ઉગ્ર સૂત્રધાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ક્ષત્રિય યુવાનો સભા સ્થળે પહોંચે તે પહેલા પોલીસે તેઓને અટકાવ્યાં હતા. રોડ શો અને ઉદ્ઘાટન પ્રસંગે ભાજપની સભામાં પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકો સભા સ્થળ પર પહોંચે તે પહેલાં જ તેઓને અટકાવવામાં આવ્યાં હતા.
મહિલાઓએ ટેબલ પર ચડીને સૂત્રોચાર કર્યા હતા
જામનગર શહેરમાં વોર્ડ નંબર 4, 5માં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને મહિલાઓએ ઉદ્ઘાટન પહેલા જ ઉગ્ર સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરમાં વોર્ડ નંબર 4 માં નવાગામ ઘેડ વિસ્તારમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા ક્ષત્રિય સમાજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ‘રૂપાલા હાય હાય’, ‘ભાજપ હાય હાય’ના નારા લગાવ્યાં હતા. તેમજ મહિલાઓ દ્વારા ભાજપના બેનરો ફાડવામાં આવ્યાં હતા. ખુરશીઓ પણ ઉલાળી હતી અને ખુરશીઓના ઢગલા કરી દેવામાં આવ્યા હતા. મહિલાઓએ ટેબલ પર ચડીને સૂત્રોચાર કર્યા હતા. પોલીસ દ્વારા વિરોધ કરનારાઓને અટકાવી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃભાજપે બિન હરીફ જીતેલી સુરત સીટ ઉપર ફરી ચૂંટણી યોજવા સુપ્રીમ કોર્ટમાં અરજી