ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-2: રૂપાલા અને ભાજપ સામે આગામી રણનીતિ અંગે આજે બેઠક
- રૂપાલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચે તેવું અલ્ટિમેટમ આપ્યું હતું
- ક્ષત્રિય સમાજના આગેવાનોની શહેરના ગોતા ખાતે મહત્ત્વની બેઠક
- કાળા વાવટા ફરકાવવા સહિતના ભાજપ વિરુદ્ધના કાર્યક્રમો નક્કી થશે
અમદાવાદમાં ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-2 શરૂ થશે. જેમાં પરશોત્તમ રૂપાલા અને ભાજપ સામે આગામી રણનીતિ અંગે આજે બેઠક યોજાશે. આજે ગોતા ખાતે બેઠક મળશે. રૂપાલાને ઉમેદવારી પાછી ખેંચવા અલ્ટિમેટમ અપાયું હતું. તેમજ કાળા વાવટા ફરકાવવા સહિતના ભાજપ વિરુદ્ધના કાર્યક્રમો નક્કી થશે. તથા ગામોમાં પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના બેનર લગાવવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, આ શહેરોમાં કરાઇ હીટવેવની આગાહી
રૂપાલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચે તેવું અલ્ટિમેટમ આપ્યું હતું
ભાજપના લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ-દીકરીઓને લઈ અણછાજતી ટિપ્પણી કરી હતી, જેને લઈ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વિરોધ થઈ રહ્યો છે. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ 19મી એપ્રિલ સુધીમાં રૂપાલા ઉમેદવારી ફોર્મ પરત ખેંચે તેવું અલ્ટિમેટમ આપ્યું હતું. જો 19મીના બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાનું જાહેર નહિ કરાય તો સંકલન સમિતિની 19મી એપ્રિલના શુક્રવારે બપોરે ચાર વાગ્યે બેઠક મળશે, જેમાં આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરાશે અને ભાજપનો બહિષ્કાર કરવા, ઠેર ઠેર વિરોધ કરવા સહિતના નિર્ણય લેવામાં આવશે.
ક્ષત્રિય સમાજના આગેવાનોની શહેરના ગોતા ખાતે મહત્ત્વની બેઠક
રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાનોની શહેરના ગોતા ખાતે મહત્ત્વની બેઠક યોજાવાની છે, જેમાં હવે પછી શું તેને લઈને નિર્ણયો લેવાશે. સંકલન સમિતિના સૂત્રો કહે છે કે, જો ઉમેદવારી નહિ ખેંચાય તો આંદોલનનો બીજો તબક્કો શરૂ થશે, જેમાં ભાજપનો સ્પષ્ટ બહિષ્કાર કરાશે. એટલું જ નહીં પરંતુ ભાજપની સભાઓ, કાર્યક્રમ થશે ત્યાં કાળા વાવટા ફરકાવી શાંતિપૂર્વક ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવાનું આ બેઠકમાં નક્કી કરાશે. ગામોમાં પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના બેનર લગાવવામાં આવશે.